શહેરમાં ભાવનગર રોડ પર ચુનારાવાડ પાસેના ગંજીવાડામાં આધેડે પોતાના ઘેર ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા તેના પરિવારમાં શોક છવાયો છે. બનાવને પગલે થોરાળા પોલીસે તપાસ કરતા પુત્ર તેના કૌટુંબિક પરિવારની પુત્રીને ભગાડી જતા પિતાએ આ પગલું ભરી લીધાનું પ્રાથમિક તપાસમાં બહાર આવતા પોલીસે આ બનાવ અંગે વધુ કાર્યવાહી કરી છે.
પોલીસે સૂત્રોના જણાવ્યા મુજબ ગંજીવાડામાં રહેતા રફુભાઇ જીવાભાઇ મેવાસિયા (ઉ.52) એ પોતાના ઘેર પંખામાં ચૂંદડી બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. બનાવને પગલે તેના પરિવારને જાણ થતા તેને જાણ કરતા 108ની ટીમે પહોંચી આધેડને મૃત જાહેર કર્યા હતા. થોરાળા પોલીસ મથકના પીએસઆઇ એ.પી. રતન સહિતે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી તપાસ હાથ ધરી હતી.
બનાવ અંગે પોલીસની તપાસમાં મજૂરીકામ કરતા રફુભાઇને સંતાનમાં બે પુત્ર હોવાનું જેમાં તેનો નાનો પુત્ર તેના કૌટુંબિક પરિવારની પુત્રીને ભગાડી ગયો હોય જેથી કેટલાક સમયથી ગુમસૂમ રહેતા હોય અને પગલું ભરી લીધાનું પરિવારે જણાવતા પોલીસે વધુ કાર્યવાહી કરી છે.