વલ્લભવિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીમાં પીએચડીના પ્રવેશમાં કૌભાંડ ચાલી રહ્યું હોવાનું આરટીઆઈમાં માંગવામાં આવેલી માહિતીમાં ખૂલ્યું છે. જેમાં યુજીસીની ગાઈડલાઈન મુજબ વિદ્યાર્થીઓની સંખ્યા પીએચડી પ્રવેશમાં પહેલેથી જ બતાવવાની હોય છે, પરંતુ પ્રોફેસર-ગાઈડ દ્વારા પોતાના માનીતા વિદ્યાર્થીઓને પોતાના હાથ નીચે પ્રવેશ આપવા માટે વિદ્યાર્થીઓની સંખ્યામાં ફેરફાર કરવામાં આવતો હોવાનો ઘટસ્ફોટ માગવામાં આવેલી આરટીઆઈમાં થયો છે. 2020-21માં 4 વિદ્યાર્થી બતાવી 5ને પ્રવેશ અપાયો હતો. અે જ રીતે ચાલુ વર્ષે પણ 2નું ફિક્સિંગ કરાયાનું ખૂલ્યુ છે.
યુનિવર્સિટીના જ એક પૂર્વ વિદ્યાર્થીએ પીએચડીમાં વિદ્યાર્થીઓની સંખ્યા અને તેમાં આપવામાં આવતા પ્રવેશની માહિતી આરટીઆઇ દ્વારા માગી હતી જેમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. યુજીસીની ગાઈડલાઈન પ્રમાણે પીએચડીમાં પ્રવેશ આપવામાં આવતા વિદ્યાર્થીઓની સંખ્યા પ્રથમ બતાવવાની હોય છે પરંતુ યુનિવર્સિટીના પ્રોફેસર-ગાઈડ દ્વારા આ સંખ્યા ‘ઝીરો’ બતાવીને બાદમાં તેમાં સુધારો કરવામાં આવતો હોવાનું ખૂલ્યું છે. યુનિવર્સિટીના શિક્ષણશાસ્ત્ર વિભાગમાં વર્ષ 2020-21ના પીએચડી પ્રવેશના નોટીફિકેશન તેમજ ગાઈડવાઈઝ ઈન ઈચ સબ્જેક્ટમાં માત્ર ચાર જગ્યા દર્શાવવામાં આવી હતી. જોકે, આ જ વર્ષે પાંચ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો.