ICCએ પુષ્ટિ કરી છે કે ચેમ્પિયન્સ ટ્રોફી હાઇબ્રિડ મોડલમાં જ યોજાશે. પાકિસ્તાન પણ બે દેશોમાં યજમાની કરવા માટે સંમત થયું. ભારત અને પાકિસ્તાન વચ્ચેની ગ્રુપ મેચ દુબઈમાં રમાશે. ભારત તેની તમામ મેચ યુએઈમાં જ રમશે, અહીં 2 નોકઆઉટ મેચ પણ રમાશે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર પાકિસ્તાને શરત રાખી છે. 2026 T-20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ શ્રીલંકાના કોલંબોમાં રમાશે. ભારત અને શ્રીલંકાએ સંયુક્ત રીતે આ ટુર્નામેન્ટની યજમાની કરી છે. ટીમ ઈન્ડિયાએ હાઈબ્રિડ મોડલમાં ચેમ્પિયન્સ ટ્રોફી યોજવાની માગ કરી હતી. એટલા માટે પાકિસ્તાન પણ ભારતમાં યોજાનારી વર્લ્ડ કપની મેચ તટસ્થ સ્થળ પર જ રમશે.
ચેમ્પિયન્સ ટ્રોફી 19 ફેબ્રુઆરીથી શરૂ થવાની છે, ટુર્નામેન્ટનું વિગતવાર શેડ્યૂલ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવી શકે છે. BCCI અને PCBની સંમતિ મળ્યા બાદ ICC શેડ્યૂલ જાહેર કરી શકે છે. પાકિસ્તાન ટુર્નામેન્ટની ડિફેન્ડિંગ ચેમ્પિયન છે, ટીમે 2017માં ફાઇનલમાં ભારતને હરાવીને ટાઇટલ જીત્યું હતું.