ગાંધીનગરના કોટેશ્વરમાં રહેતી પત્નીએ પિતરાઈ ભાઈના ગળાડૂબ પ્રેમમાં અંધ બનીને પત્નીએ આણાના દિવસે અમદાવાદથી તેડવા માટે આવેલા પોતાના જ પતિનું રસ્તામાંથી જ અપહરણ કરાવ્યું હતું. બાદમાં પ્રેમીએ બે મળતિયા સાથે મળી યુવકને કારમાં ગળેટૂંપો આપી લાશને કરાઈ કેનાલમાં ફેંકી દીધી હતી. લગ્નમાં ત્રીજા દિવસે મામાનાં દીકરા સાથેના ગળાડૂબ પ્રેમમાં અંધ બનીને પત્નીએ પોતાના પતિનું અપહરણ - હત્યા કરાવવાના પ્રકરણમાં પોલીસે પત્ની સહિતના ચારેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરી 20 મી ડિસેમ્બર સુધીના રિમાન્ડ મેળવ્યાં હતા. ત્યારે અડાલજ પોલીસે આરોપીઓને સાથે રાખી અપહરણ - હત્યાની ઘટનાને કેવી રીતે અંજામ આપવામાં આવ્યો એ જાણવા સમગ્ર ઘટનાનું રી કન્સ્ટ્રક્શન કર્યું હતું. બીજી તરફ પરિવારજનોએ હાથમાં બેનરો સાથે અમદાવાદમાં મૃતકની અંતિમ યાત્રા કાઢી આરોપીઓને કડકમાં કડક સજા કરવાની માંગ કરી હતી.
આરોપીને સાથે રાખી ઘટનાનું રી કન્સ્ટ્રક્શન આજે અડાલજ પોલીસે અપહરણ અને હત્યા પ્રકરણમાં પાયલના પ્રેમી કલ્પેશ ચુનારાને સાથે રાખીને સમગ્ર ઘટનાનું રી કન્સ્ટ્રક્શન કર્યું હતું. જેમાં કલ્પેશે કબુલાત કરી હતી કે, શૈલેષ અને સુનીલ સાથે મધર ડેરી તરફથી ગાડીમાં આવ્યાં હતા. બાદમાં ગામમાં ગયા હતા અને પાછા વળતી વખતે સામેના રોડ પર પાયલનો પતિ ભાવિક એક્ટિવા લઈને મળ્યો હતો. (જેથી ભાવિક અગાઉથી ઓળખતો હોવાથી સ્વાભાવિક રીતે થોડીક આગળ જઈને ઉભો રહી ગયો હતો) બાદમાં અમે ગાડી વાળીને આ તરફના રોડ ઉપર આવ્યાં હતા અને ગાડીના બમ્પરથી ડાબી બાજુ એક્ટિવાને સહેજ ટક્કર મારી હતી. જેથી ભાવિક નીચે પડી ગયો હતો.