ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર સ્પિનર રવિચંદ્રન અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. અશ્વિને એન્જિનિયરિંગ છોડીને ક્રિકેટમાં પ્રવેશ કર્યો અને ઘણાં યાદગાર પ્રદર્શન આપ્યાં. તેણે પોતાની કારકિર્દીની શરૂઆત ઓપનિંગ બેટર અને મીડિયમ પેસર તરીકે કરી હતી, પરંતુ બાદમાં ઓફ સ્પિનમાં નિપુણતા મેળવી હતી. અશ્વિને ઘણા રેકોર્ડ બનાવ્યા છે. બ્રિસ્બેન ટેસ્ટ બાદ તેણે પ્રેસ-કોન્ફરન્સમાં આવીને નિવૃત્તિની જાહેરાત કરી હતી.
રવિ અશ્વિન અભ્યાસમાં ખૂબ જ હોશિયાર હતો 38 વર્ષીય રવિચંદ્રન અશ્વિનનો જન્મ 17 સપ્ટેમ્બર 1986ના રોજ ચેન્નઈના માયલાપુરમાં થયો હતો. તેના પિતા રવિચંદ્રન પોતે ક્લબ ક્રિકેટર અને ફાસ્ટ બોલર હતા. અશ્વિન અભ્યાસમાં પણ ખૂબ જ હોશિયાર હતો. તેણે ચેન્નઈથી શાળાનો અભ્યાસ પૂરો કર્યો અને પછી SSN કોલેજ ઑફ એન્જિનિયરિંગમાંથી ITમાં ગ્રેજ્યુએટ થયો. જોકે તેણે એન્જિનિયરિંગને અલવિદા કહ્યું અને ક્રિકેટને તેનું પેશન બનાવી લીધું.
ઇન્જરીના કારણે સ્પિનર બન્યો બહુ ઓછા લોકો જાણે છે કે અશ્વિને પોતાના ક્રિકેટ કરિયરની શરૂઆત ઓપનિંગ બેટર તરીકે કરી હતી. બાદમાં તેણે મીડિયમ પેસ બોલિંગ પણ કરી હતી. તેના બાળપણના કોચ સીકે વિજયે તેને ઑફ સ્પિન બોલિંગ કરવાની સલાહ આપી હતી. તેની પાછળ બે કારણ હતાં. પ્રથમ, અશ્વિનની ઊંચાઈ 6 ફૂટ 2 ઇંચ હતી, જે ઑફ-સ્પિન માટે યોગ્ય માનવામાં આવે છે. બીજું, તેને અંડર-16 ક્રિકેટ દરમિયાન ઈજા થઈ હતી, જેના પછી તેને દોડવામાં મુશ્કેલી થવા લાગી હતી. તેથી તેને સ્પિન બોલિંગ કરવાનું સૂચન કર્યું હતું.