ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પાંચમી અને છેલ્લી ટેસ્ટ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઈ રહી છે. ભારતે ટૉસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
આજે મેચનો પ્રથમ દિવસ છે અને બીજો સેશન ચાલુ છે. ટીમ ઈન્ડિયા તરફથી પહેલી ઇનિંગમાં વિરાટ કોહલી અને રિષભ પંત ક્રિઝ પર છે.
શુભમન ગિલ 20 રન બનાવીને, યશસ્વી જયસ્વાલ 10 રન બનાવીને અને કેએલ રાહુલ 4 રન બનાવીને આઉટ થયો હતો. નાથન લાયન, સ્કોટ બોલેન્ડ અને મિચેલ સ્ટાર્કને એક-એક વિકેટ મળી હતી.
રોહિત શર્માની જગ્યાએ જસપ્રીત બુમરાહ ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપ કરી રહ્યો છે. રોહિત શર્માને આરામ આપવામાં આવ્યો છે. જ્યારે આકાશ દીપ ઈજાના કારણે આ મેચ રમી રહ્યો નથી. શુભમન ગિલ પરત ફર્યો છે, જ્યારે પ્રસિદ્ધ ક્રિષ્નાને તક મળી છે.
ઓસ્ટ્રેલિયા 5 મેચની સિરીઝમાં 2-1થી આગળ છે. ભારતે પ્રથમ મેચ 295 રને જીતી હતી. બીજી અને ચોથી મેચ ઓસ્ટ્રેલિયામાં ગઈ હતી. જ્યારે ત્રીજી મેચ ડ્રો રહી હતી. ભારત 47 વર્ષથી સિડનીમાં જીત્યું નથી. ટીમ ઈન્ડિયાને છેલ્લા 13 વર્ષમાં હારનો સામનો કરવો પડ્યો નથી. છેલ્લી વખત તેને 2012માં અહીં હારનો સામનો કરવો પડ્યો હતો. તે હાર બાદ ટીમે અહીં ત્રણ ટેસ્ટ મેચ રમી છે. ત્રણેય મેચ ડ્રો રહી હતી. 1947થી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અહીં 13 મેચ રમાઈ છે. જેમાં કાંગારૂ ટીમે 5 મેચ જીતી હતી અને 7 મેચ ડ્રો રહી હતી. આ સાથે જ ભારત માત્ર એક જ ટેસ્ટ જીતવામાં સફળ રહ્યું છે. ટીમને આ જીત 1978માં મળી હતી.