તાજેતરમાં જ અમદાવાદના મેયરના વિસ્તારમાં યોજાયેલા રોડના નામાભિધાન અને પ્રતિમા અનાવરણ કાર્યક્રમને લઇને સ્થાનિક સ્તરે ભાજપના કાર્યકરો અને નેતાઓમાં નારાજગી જોવા મળી છે. નામાભિધાન અને પ્રતિમા અનાવરણ કાર્યક્રમ મ્યુનિસિપલ કોર્પોરેશનનો હોવા છતાં પણ કાર્યક્રમ ખાનગી કાર્યક્રમ બની ગયો હોય તેમ પરિસ્થિતિ સ્થિતિ સર્જાઇ હતી. મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના હોદ્દેદારો મુખ્યમંત્રી અને ગૃહમંત્રી જ્યાં હાજર હતા એવા કાર્યક્રમમાં હોલની બહાર ઉભા રહેલા જોવા મળ્યાં હતાં. ભાજપના સ્થાનિક નેતાઓ અને કાર્યકર્તાઓમાં ચર્ચા જાગી છે કે, મ્યુનિસિપલ કોર્પોરેશનનો કાર્યક્રમ હતો ત્યારે બહાર બધી કોર્પોરેશનની વ્યવસ્થા હતી, પરંતુ કાર્યક્રમ ખાનગી બની ગયો હોય તેમ હોલમાં રાખી દેવામાં આવ્યો હતો. કોર્પોરેશન દ્વારા જે આયોજન કરવામાં આવ્યું હતું તે મુજબ આખો કાર્યક્રમ યોજાયો નહોતો. જેથી કોર્પોરેશને નામાભિધાન માટે કરેલો ખર્ચો પણ માથે પડ્યો તેવી ચર્ચા જાગી છે.
બે વર્ષ પહેલાં મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપના સત્તાધીશોની ટર્મ પૂરી થઈ ત્યારે અનેક સિનિયર સહિતના કોર્પોરેટરો હોદ્દો મેળવવા માટે દોડધામ કરી રહ્યા હતા. કેટલાક કોર્પોરેટરોએ પોતાનું લોબિંગ કરી અને ધારાસભ્યોની ભલામણ અને સિનિયોરીટી આગળ ભરીને હોદ્દેદાર બનવા માટે કહ્યું હતું, ત્યારે ભાજપના એક કોર્પોરેટર હોદ્દેદાર તો બની ગયા છે, પરંતુ હવે તેઓ હોદ્દેદાર તરીકે માત્ર નામના હોય તેવી રીતે કામગીરી કરી રહ્યા છે. કોઈપણ જગ્યાએ મુખ્યમંત્રી કે કેન્દ્રીય ગૃહમંત્રીનો કાર્યક્રમ હોય અરે તેની તૈયારીથી લઈને તમામ બાબતોમાં કોઈ રસ લેતા નથી. મહત્વના હોદ્દેદાર હોવા છતાં પણ તેઓ પોતાના જવાબદારીમાં નિષ્ફળ રહ્યા છે તેવી ચર્ચા જાગી છે.