ચાઈનાના સ્ટાર્ટઅપ દ્વારા અત્યંત સસ્તું ડીપસીક એઆઈ એન્જિન લોન્ચ કરી વૈશ્વિક બજારોમાં ખાસ અમેરિકી શેરબજારમાં નાસ્દાકમાં ઐતિહાસિક કડાકો બોલાવી દીધા બાદ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી આકરાં ટેરિફની ધમકી ઉચ્ચારતાં ચાઈના સહિતના એશીયાના બજારોમાં સાવચેતીથી વિપરીત ભારતીય શેરબજારોમાં આજે સતત બીજા દિવસે ઉછાળો નોંધાયો હતો. બજારમાં મોટું કરેકશન જાણે કે પૂરું થયું હોય એમ આજે સ્મોલ, મિડ કેપ શેરોમાં ઘટાડે મોટું વેલ્યુબાઈંગ જોવા મળ્યું હતું, જો કે સેન્સેક્સ, નિફટી બેઝડ મોટા આરંભિક ઉછાળા બાદ ઉછાળે સામાન્ય પ્રોફિટ બુકિંગ જોવાયું હતું.
કરન્સી માર્કેટની વાત કરીએ, વૈશ્વિક બજારમાં ડોલર ઈન્ડેક્સ તથા બોન્ડ યીલ્ડ વધતાં ભારતીય રૂપિયાના મૂલ્યમાં ઘટાડો જોવા મળ્યો હતો, જો કે ઘટાડો મર્યાદિત રહ્યો હતો. જયારે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ક્રૂડ ઉત્પાદક દેશોએ ભાવ ઘટાડવા જોઈએ એવું નિવેદન કરતાં વૈશ્વિક ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ 2.54% અને સ્મોલકેપ ઈન્ડેક્સ 3.28% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર એફએમસીજી શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 4082 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 1011 અને વધનારની સંખ્યા 2978 રહી હતી, 93 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે 6 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 8 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.