મનપાના બજેટ વખતે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ એક મહત્વની જાહેરાત કરી હતી કે 3 વર્ષની અંદર રાજકોટ શહેરને ટાઉન પ્લાનિંગ સ્કિમથી ભરી દેવાશે. એવી સ્થિતિ ઊભી કરાશે કે નવી સ્કિમ માટે જગ્યા જ નહિ રહે જેથી ભવિષ્યમાં કોઇ ગામ રાજકોટમાં ભળે અને તેમાં સ્કિમ ન હોય તો તુરંત જ સ્કિમ પર કામ ચાલુ કરી દેવાશે.
રાજકોટ શહેરનો ઘણો વિસ્તાર હજુ પણ ટી.પી. સ્કીમવિહોણો છે. ખાસ કરીને કે જ્યાં સૂચિત સોસાયટીઓ બનાવી દેવાઈ છે ત્યાં કોમન પ્લોટ માટે તો દૂર જરા પણ કપાત માટે જગ્યા વધી નથી જો ત્યાં ટી.પી. સ્કીમ બેસાડવી હોય તો મોટાપાયે ડિમોલિશન હાથ ધરવું પડે. આ સમસ્યા ભવિષ્યમાં પણ બીજા વિસ્તારોમાં ન આવે તે મહત્વનું છે. આ ઉપરાંત ટી.પી. સ્કીમ બની જાય એટલે રોડ, રસ્તા માટે જગ્યા મળતા પાયાની સુવિધાઓ છેવાડા સુધી પહોંચી શકે. ટી.પી. સ્કીમનો ઈરાદો જાહેર થાય ત્યારે જ તે ડ્રાફ્ટ કેટલા સમયમાં બની જશે તેનો સમય પણ આપી દેવાશે.
ટી.પી.સ્કીમના પ્લોટના વેચાણ દ્વારા રૂ.740 કરોડ ઊભા કરાશે મહાનગરપાલિકા દ્વારા આગામી નાણાકીય વર્ષમાં ટી.પી.સ્કીમના પ્લોટના વેચાણ દ્વારા રૂ.740 કરોડ ઊભા કરવાનું આયોજન કરાયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે પણ મહાનગરપાલિકા દ્વારા ટી.પી.પ્લોટ વેચાણની બજેટમાં જોગવાઇ કરી હતી. પરંતુ એકપણ પ્લોટ વેચવામાં આવ્યો ન હતો.