ટેલિકોમ કંપની ભારતી એરટેલે ભારતમાં સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા સ્ટારલિંક લાવવા માટે ઈલોન મસ્કની કંપની સ્પેસએક્સ સાથે કરાર કર્યો છે. મંગળવારે (11 માર્ચ)ના રોજ સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં એરટેલે આ માહિતી આપી હતી.
આ કરાર હેઠળ, સ્પેસએક્સ અને એરટેલ વ્યવસાયો, શૈક્ષણિક સંસ્થાઓ, આરોગ્યસંભાળ કેન્દ્રો અને દૂરના વિસ્તારોમાં સ્ટારલિંક સેવાઓ પહોંચાડવા માટે સાથે મળીને કામ કરશે. એરટેલના હાલના નેટવર્ક ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સ્ટારલિંક ટેક્નોલોજીને એકીકૃત કરવાની શક્યતાઓ શોધવામાં આવશે.
સ્ટારલિંક વિશ્વભરના યુઝર્સને હાઇ-સ્પીડ, ઓછી લેટન્સી ઇન્ટરનેટ પ્રદાન કરે છે. સ્ટારલિંક પાસે પૃથ્વીની નીચી ભ્રમણકક્ષામાં વિશ્વનું પ્રથમ અને સૌથી મોટું ઉપગ્રહ નેટવર્ક છે. સ્ટારલિંક ઇન્ટરનેટ દ્વારા સ્ટ્રીમિંગ, ઓનલાઈન ગેમિંગ, વીડિયો કોલ સરળતાથી કરી શકાય છે.