રાજકોટ જિલ્લા પંચાયતની સોમવારે સામાન્ય સભા મળી હતી જેમાં રૂ. 1091.64 કરોડનું બજેટ અડધી જ મિનિટમાં મંજૂર થઈ ગયુ હતુ. એક કલાક સુધી મળેલી બેઠકમાં 23 પ્રશ્નોત્તરી થઇ હતી. સૌથી વધુ પ્રશ્ન વિપક્ષના આવ્યા હતા. એકબાજુ રાજકોટ શહેર અને જિલ્લામાં અસમાજિક તત્વોએ કરેલા દબાણોને દૂર કરવાની કામગીરી ચાલી રહી છે ત્યારે જિલ્લા પંચાયતના શાસકો પણ જાગ્યા છે. 600 ગામોમાં ગૌચર અને સરકારી ખરાબાની જગ્યા પર થયેલા દબાણો દૂર કરવા માટે સર્વેની કામગીરી કરવા માટેનો ઠરાવ મંજૂર કરવામાં આવ્યો હતો. આ સિવાય ગામોમાં પાણીની અછત દૂર કરવા માટે ગામદીઠ એક- એક તળાવ બનાવવા માટે રૂ. 25 લાખ લેખે સરકાર પાસે રૂ. 150 કરોડ જેટલી ગ્રાન્ટની માંગણી કરતો ઠરાવ મંજૂર કરવામાં આવ્યો હતો.
બજેટમાં વિકાસ કામો માટે રૂ. 10.80 કરોડ, શ્રેષ્ઠ ગ્રામપંચાયત પસંદગી સ્પર્ધા માટે રૂ. 22 લાખ, વિચરતી જાતિના સંતાનોના શિક્ષણ માટે રૂ. 20 લાખ, સગર્ભા માતાઓની તપાસ-સારવાર સહાય માટે રૂ. 10 લાખ, કુપોષણ અભિયાન અંતર્ગત રૂ. 32 લાખ, તળાવ- બંધારણ નહેરો માટે રૂ. 35 લાખ,વરસાદી પાણીના સંગ્રહ માટે રૂ. 25 લાખ, અનુસુચિત જાતિના સર્વાંગી વિકાસ માટે રૂ. 50 લાખની જોગવાઈ મુખ્ય રહી હતી.