ટી-20 વર્લ્ડ કપ અગાઉ ભારત પાસે તૈયારીની અંતિમ તક છે. ટીમ ઈન્ડિયા બુધવારથી દ.આફ્રિકા વિરુદ્ધ 3 ટી-20 મેચની સીરિઝ રમશે. આ ભારતની ઓસ્ટ્રેલિયામાં 16 ઓક્ટોબરથી યોજાનાર વર્લ્ડ કપ અગાઉ અંતિમ ટી-20 રહેશે. ભારતે ટીમ કોમ્બિનેશન બનાવવા, પ્રયોગ કરવા, બોલિંગ-બેટિંગની ક્ષમતા ચકાસવા સહિત માટે અંતિમ સીરિઝ છે.
કેપ્ટન રોહિત અને કોચ દ્રવિડ આ સીરિઝને મહત્ત્વપૂર્ણ માની રહ્યાં છે, કારણ કે- ટીમના ઘણા સ્લૉટ નક્કી છે જ્યારે અમુક સ્થાન માટે હજુ પણ ખેલાડી નિશ્ચિત નથી. કાર્તિક, પંત, દીપક ચાહર, અશ્વિન, અર્શદીપ એવા ખેલાડીઓ છે જેમને સતત રમવાની તક મળી નથી. આ સીરિઝ થકી રોહિતે અમુક ખેલાડીઓને ગેમ ટાઈમ આપવો પડશે, જેઓ ટી-20 વર્લ્ડ કપ માટેની યોજનામાં છે. દ.આફ્રિકા વિરુદ્ધ રોહિત આ ખેલાડીઓને વધુ તક આપશે, જેથી પરફેક્ટ ટીમ કોમ્બિનેશન મેળવી શકે. રોહિતે પણ ખેલાડીઓને પૂરતો ગેમ ટાઈમ આપવાની વાતને મહત્ત્વપૂર્ણ માની છે.
ભારતીય ટીમ સામે ડેથ ઓવર્સમાં બોલિંગ સુધારવાનો પડકાર રહેશે. રોહિત પણ કહી ચૂક્યો છે કે- ભલે અમે ઓસ્ટ્રેલિયા સામે સીરિઝ જીતી હોય, પરંતુ અમારે અંતિમ ઓવર્સમાં ખરાબ બોલિંગની નબળાઈ દૂર કરવાની ઘણી જરૂર છે. ભારતીય ટીમમાં ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને ઝડપી બોલર ભુવનેશ્વર નથી. બંનેને વર્લ્ડ કપને ધ્યાને રાખી આરામ અપાયો છે. વર્લ્ડ કપ માટે રિઝર્વ ખેલાડી રહેલ શમી કોરોનામાંથી સંપૂર્ણ રિકવર થયો નથી. તે ઓસ્ટ્રેલિયા સામે ના રમી શક્યો અને આફ્રિકા વિરુદ્ધ પણ નહીં રમી શકે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સંપૂર્ણ પણે નિષ્ફળ રહેલા હર્ષલ પટેલનું ફોર્મ ચિંતાનો વિષય છે, તે આફ્રિકા વિરુદ્ધ ફોર્મ મેળવે તેવી ટીમને આશા રહેશે. તેના કરિયરનો ઈકોનોમી રેટ 9.05 છે પરંતુ ઓસ્ટ્રેલિયા સામે તેણે 12 ની ઈકોનોમીથી રન આપ્યા. ઓસ્ટ્રેલિયન પિચોને ધ્યાનમાં રાખતા ચહલ પર ફોક્સ રહેશે. અર્શદીપ અને બુમરાહ સ્લોગ ઓવર્સમાં પ્રભાવશાળી કોમ્બિનેશન સાબિત થશે તેવી આશા રહેશે.