રવિવારે આકાશ આનંદને તેની કાકી અને બસપાના વડા માયાવતીએ માફ કરી દીધા. બસપામાંથી હાંકી કાઢવામાં આવ્યાના 41મા દિવસે આકાશે પાર્ટીમાં ફરી પ્રવેશ કર્યો છે.
પક્ષમાંથી દૂર કરવામાં આવ્યા તે પહેલાં આકાશ બસપા વડાના રાષ્ટ્રીય સંયોજક અને ઉત્તરાધિકારી હતા. માયાવતીએ સ્પષ્ટ કરી દીધું છે કે જ્યાં સુધી તેઓ સ્વસ્થ રહેશે ત્યાં સુધી તેઓ કોઈને પણ પોતાના ઉત્તરાધિકારી તરીકે નિયુક્ત કરશે નહીં.
માયાવતીએ એમ પણ કહ્યું કે આકાશના સસરા અશોક સિદ્ધાર્થની ભૂલો માફ કરવા યોગ્ય નથી. તેઓ જૂથવાદ અને પક્ષ વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ હતા. આકાશની કારકિર્દી બરબાદ કરવામાં કોઈ કસર છોડી ન હતી.
માફી મળ્યાના બે કલાક પહેલા, આકાશ આનંદે જાહેરમાં માયાવતીની માફી માંગી હતી. આકાશ માયાવતીના સૌથી નાના ભાઈ આનંદનો પુત્ર છે.
માયાવતીએ 15 મહિનામાં બે વાર તેમને પોતાના ઉત્તરાધિકારી તરીકે જાહેર કર્યા પરંતુ બંને વાર તેમને દૂર કર્યા. 3 માર્ચે તેમને પાર્ટીમાંથી પણ હાંકી કાઢવામાં આવ્યા હતા.