ઉનાળાની ગરમીમાં જ્યારે બહાર નીકળવું પણ મુશ્કેલ બની જાય છે, ત્યારે જસદણ મામલતદાર કચેરીએ નાગરિકોની સુખાકારી માટે એક પ્રશંસનીય અને નવીન પહેલ શરૂ કરી છે. જસદણ મામલતદાર આઈ.જી. ઝાલાના સંવેદનશીલ નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ કચેરીમાં આવતા અરજદારોને વિનામૂલ્યે ઠંડી છાશ અને ઓ.આર.એસ. યુક્ત પીવાનું પાણી આપવામાં આવી રહ્યું છે.
આ સેવા ખાસ કરીને આકરી ગરમીમાં લોકોને રાહત આપવા અને તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા માટે શરૂ કરવામાં આવી છે. જસદણ મામલતદાર કચેરીમાં રોજબરોજ અનેક લોકો વિવિધ કામો માટે આવે છે. જેમાં દસ્તાવેજોની નોંધણીથી લઈને અન્ય વહીવટી કામોનો સમાવેશ થાય છે. ઉનાળાના આ દિવસોમાં જ્યારે તાપમાન ઊંચું હોય છે, ત્યારે બહાર લાંબો સમય રાહ જોવી અથવા ફરવું લોકો માટે થકવનારું અને સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે. આવી પરિસ્થિતિમાં જસદણ મામલતદાર કચેરીની આ પહેલ અરજદારો માટે એક વરદાન સમાન સાબિત થઈ રહી છે.
ઠંડી છાશ ન માત્ર ગરમીમાં ઠંડક આપે છે, પરંતુ તે પૌષ્ટિક પણ છે, જે શરીરને ઉર્જા આપે છે. તેમજ ઓ.આર.એસ. યુક્ત પાણી શરીરમાં પાણીની ઉણપ અને ખનિજોનું સંતુલન જાળવી રાખે છે, જે ગરમીમાં ડિહાઇડ્રેશનથી બચાવે છે. આ સેવા ખાસ કરીને વૃદ્ધો, મહિલાઓ અને બાળકો સાથે આવતા લોકો માટે ખૂબ ફાયદાકારક રહી છે. જેઓ ગરમીથી વધુ અસરગ્રસ્ત થતાં હોય છે.