કેન્દ્ર સરકાર છેલ્લા કેટલાક સમયથી મેક ઇન ઇન્ડિયાને પ્રમોટ કરી રહી છે જેના ભાગરૂપ ભારત ફાર્મા, કેમિકલ્સ, સિરામિક, ટેક્સટાઇલ, ઓટો-એન્સિલરી જેવા સેક્ટરમાં પહેલેથી જ હબ રહ્યું છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી સ્માર્ટફોન, સેમીકંક્ડટરમાં પણ મેક ઇન ઇન્ડિયા મુદ્દે આગળ વધી રહ્યું છે. વિશ્વમાં મેક ઇન ઇન્ડિયાને ઝડપી વેગ મળી રહ્યો છે ત્યારે વૈશ્વિક સ્તરે મેક ઇન ઇન્ડિયા બ્રાન્ડને ખરડાવા માટેનો પ્રોપગન્ડા ઘડાઇ રહ્યો છે.
પરંતુ જો દેશના તમામ ઉદ્યોગો મેક ઇન ઇન્ડિયાને પ્રમોટ કરે અને તેને વેગ આપશે તો ભારત વિશ્વની ઝડપી ત્રીજી ઇકોનોમીમાં સ્થાન પામશે તેવો નિર્દેશ સાબરકાંઠા ડિસ્ટ્રિક્ટમાં ડ્રગ મેન્યુફેક્ચરિંગ એસોસિએશનની યોજાયેલી બેઠકમાં IDMAના ટ્રેઝરર અતુલ શાહે જણાવ્યું હતું. વધુમાં જણાવ્યું કે વૈશ્વિક સ્તરે ભારતીય ફાર્મા ઇન્ડસ્ટ્રીઝ ઝડપી વિકસીત થઇ રહી છે. ભારતે એપીઆઇ મુદ્દે આયાત પરની નિર્ભરતા ઘટાડી છે.
ગુજરાતમાં ભરૂચ ખાતે એપીઆઇ પાર્કમાં મેન્યુફેક્ચરીંગ મુદ્દે ટેન્ડર શરૂ થયા છે જેમાં આગામી બે વર્ષમાં સરેરાશ દસ હજાર કરોડનું રોકાણ આવશે. વૈશ્વિક સ્તરે ફાર્મા સેક્ટરમાં ગુજરાત અને તેમાં અમદાવાદનું સ્થાન ટોચ પર રહ્યું છે. દેશમાં ફાર્મા ઇન્ડસ્ટ્રીઝનું માર્કેટ 4-4.25 લાખ કરોડથી વધુ રહ્યું છે ત્યારે તેમાં ગુજરાતનો હિસ્સો 40 ટકાથી વધુ છે અને તેમાં પણ માત્ર અમદાવાદનું યોગદાન 85 ટકાથી વધુ રહ્યું છે.
માત્ર દવાના ઉત્પાદન-વેચાણ-નિકાસમાં જ મોખરે છે તેવું નથી. ગ્રાહકોને સસ્તી દવા મળી રહે તે માટે અને સરકારના જેનરીક દવાના વિઝન પર ફોકસ કરી સૌથી વધુ મેન્યુફેક્ચરીંગ કરી રહી છે. લોકોને જેનરીક દવા પ્રત્યે જાગૃતિ લાવવા પર પણ ફોકસ કરી રહી છે. અમદાવાદમાં કુલ જેનરીક દવાના ઉત્પાદનમાંથી 80-85 ટકાથી વધુ હિસ્સો નિકાસનો રહ્યો છે તેમ IDMAના ચેરમેન શ્રેણીક શાહે રજૂ કર્યો હતો.