લક્ષ્મી નારાયણ સંહિતા પ્રમાણે માગશર મહિનાના સુદ પક્ષની બીજ તિથિએ પિતૃઓની ઉત્પત્તિ થઈ હતી. નારદ પુરાણ પ્રમાણે આ તિથિએ શ્રાદ્ધ સાથે પિતૃઓની પૂજા કરવાથી આરોગ્ય અને સમૃદ્ધિ મળે છે. આ તિથિ આ વખતે 25 નવેમ્બર, શુક્રવારના રોજ રહેશે.
આ દિવસે તીર્થ કે પવિત્ર નદીઓના પાણીથી સ્નાન કરીને પિતૃઓની પૂજા કરવાનું વિધાન છે. પુરાણો પ્રમાણે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી પિતૃઓને સંતુષ્ટિ મળે છે. એટલે આ તિથિએ શ્રીકૃષ્ણ અને વિષ્ણુ પૂજા કરવાનું પણ મહત્ત્વ છે.
ચાંદી કે તાંબાના લોટામાં પાણી, દૂધ, જવ, તલ, ચોખા અને સફેદ ફૂલ મિક્સ કરો. આ પાણી હથેળીમાં લઈને અંગૂઠા તરફથી પિતૃઓ માટે કોઈ વાસણમાં છોડો. આ સાથે જ પિતૃ દેવતાભ્યો નમઃ મંત્રનો જાપ કરો. આવું પાંચ કે અગિયાર વખત કરો. તે પછી આ જળ પીપળામાં ચઢાવી દો.
માગશર અમાસના દિવસે શક્ય હોય તો વ્રત રાખો અને ક્ષમતા પ્રમાણે જરૂરિયાતમંદ લોકોને અનાજ, વસ્ત્ર વગેરેનું દાન કરો. સવારે જલ્દી તાંબાના લોટામાં પાણી, દૂધ, અક્ષત, જવ અને તલ મિક્સ કરીને પીપળામાં ચઢાવો અને ઘીનો દીવો પ્રગટાવવો. તે પછી પીપળાની પરિક્રમા કરવાથી પિતૃઓને સંતુષ્ટિ મળે છે.
માન્યતા છે કે આ દિવસે ભગવાન વિષ્ણુની વિધિવત પૂજા અને વ્રત કરવાથી બધી કામનાઓ પૂર્ણ થાય છે. સાથે જ, આ દિવસે ભગવાન સત્યનારાયણની કથા સાંભળવાથી પરેશાનીઓથી મુક્તિ મળે છે.