જેતપુરમાં સામાકાંઠા વિસ્તાર દેરડીની ધાર વિસ્તારમાં ગૌચરની જમીનમાં ખૂબ મોટા પ્રમાણમાં ખનીજ ચોરીની ફરિયાદ બાદ ખાણ ખનીજ ખાતાએ દરોડો પાડીને સમ ખાવા પૂરતા એક ડંપર અને બે ટ્રેકટર ઝડપી તેને દંડ ફટકારી સંતોષ માની લેતા માલધારીઓએ પ્રશાસનની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી હતી.
શહેરના સામાકાંઠા વિસ્તારમાં દેરડીની ધાર કે જ્યાં ખૂબ મોટી ગૌચરની જમીન આવેલી છે. અને ત્યાં જમીનથી 50-50 ફૂટ જેટલા ટેકરા હતાં. ત્યાં ખૂબ લાંબા સમયથી ખનીજ ચોરી ચાલી રહી છે. અને ખનીજ ચોરી સામે માલધારીઓ તેમજ જાગૃત નાગરિકોએ સ્થાનિક પ્રશાસનથી લઈ ખાણખનીજ ખાતાને અસંખ્યવાર લેખિત મૌખિક ફરિયાદ કરી છે.
પચાસ ફૂટના ટેકરા પચાસ ફૂટના ઉંડા ખાડા થઈ ગયા આ દસ ચોરસ કિમીના વિસ્તારમાંથી અબજો ટન ખનીજ ચોરી ખનીજ માફિયાઓ બિન્દાસ્ત ખનીજ કરી નાસી જતા હતા છતાં કોઇ જ કાર્યવાહી થઇ ન હતી. જેતપુર રાજકોટનો નવો બની રહેલો સિક્સ લેન રોડના કામમાં મોરમ પાથરવાના કામ માટે ખનીજ ચોરી કરાઇ છે.
આ બાબતે પાલિકાના પૂર્વ સદસ્યા શારદાબેન વેગડાએ કલેકટરને રજૂઆત કરતા કલેકટરે ખનીજ ભરેલ બે ટ્રેકટર અને એક ડંપર ઝડપી લીધા હતાં. રજુઆતકર્તાઓએ એવા આક્ષેપ કર્યા હતા કે, પ્રશાસને જેસીબી મશીન તેમજ બીજા વાહનોને જવા દીધા હતાં, એક વાહન કે જે બાજુના જ કારખાનામાં રખાયું હતું તેની સામે કોઇ જ પગલાં ન લેવાયા, જે બાબત શંકાસ્પદ કામગીરી સામે સવાલો ખડા કરે છે.