રાજકોટ શહેરમાં એક 5 વર્ષની માસૂમ બાળકી સાથે દુષ્કર્મનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. રક્ષાબંધનની રાત્રે બાળકીના માતા-પિતાની ગેરહાજરીમાં 17 વર્ષના સગીરે તેને ઘરમાંથી ઉઠાવીને પોતાના શેઠના ઘરે લઈ જઈ આ કૃત્ય આચર્યું હતું. જ્યારે બાળકી રડવા લાગી અને બૂમો પાડી, ત્યારે આરોપી તેને પરત ઘરે મૂકી ગયો હતો. આ ઘટનાનો પર્દાફાશ થતાં, પોલીસે સગીર આરોપી અને તેના શેઠ જશવંતકુમાર રાજકુમાર સિંઘની ધરપકડ કરી છે. વધુમાં, આરોપીના શેઠે પોલીસ ફરિયાદ ન કરવા માટે બાળકીના પરિવારને 5000 રૂપિયા આપીને ધમકી પણ આપી હતી, જેના કારણે તેમની સામે પણ ફિટકાર વરસી રહી છે. હાલ યુનિવર્સિટી પોલીસે પોક્સો એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટના 150 ફૂટ રીંગરોડ પર આવેલી રેસીડેન્સીમાં રહેતાં નેપાળી યુવકે બિહારના 17 વર્ષીય સગીર અને તેના શેઠ જશવંતકુમાર રાજકુમાર સિંઘ સામે પોલીસ ફરિયાદ નોંધાવતા યુનિવર્સિટી પોલીસે બન્ને વિરુદ્ધ દુષ્કર્મ અને પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ફરિયાદીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ફરિયાદી પોતે પત્ની અને બાળકો સાથે રહે છે. તેઓ બન્ને પતિ-પત્ની એપાર્ટમેન્ટનાં કચરા-પોતાં તેમજ સાફ સફાઈનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓને સંતાનમાં ત્રણ બાળકો છે. જેમાં સૌથી મોટી દીકરી 10 વર્ષની અને તેનાથી નાની દીકરી સાત વર્ષની છે. જે બંને વતનમાં નેપાળ ખાતે રહે છે અને સૌથી નાની 5 વર્ષની દીકરી રાજકોટ તેમની સાથે રહે છે. પોતે વર્ષ 2017થી રાજકોટમાં કામ કરવા માટે આવ્યા હતા અને તેની સાથે પરિવારનાં તેના નાના ભાઇ તથા તેની પત્ની અને બાળકો પણ રહે છે. જે બન્ને પણ એપાર્ટમેન્ટમાં સાફ સફાઈ અને કચરા પોતાનું કામ કરે છે.