ભારત અને UAE વચ્ચે મુક્ત વેપાર કરારથી ગારમેન્ટ સેક્ટરને ડ્યૂટી ફ્રી એક્સેસ મળી શકશે અને તેનાથી દેશમાં સ્થાનિક નિકાસને પણ વેગ મળશે તેવો આશાવાદ એપેરલ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (AEPC)એ વ્યક્ત કર્યો છે. 20 સ્થાનિક નિકાસકારો તેમની પ્રોડક્ટ્સને રજૂ કરવા માટે દુબઇમાં આયોજીત ઇન્ટરનેશનલ એપેરલ એન્ડ ટેક્સટાઇલ ફેર (IATF) માં ભાગ લેવા જઇ રહ્યાં છે.
AEPCના ફેર એન્ડ એક્ઝિબિશન ચેરમેન અશોક રાજાણીએ જણાવ્યું હતું કે ભારત ચીન પછી UAEને રેડીમેડ ગાર્મેન્ટની સપ્લાય કરતો બીજો સૌથી મોટો નિકાસકાર દેશ છે. દેશમાંથી કાપડની નિકાસમાં UAE હંમેશા ટોચનું ભાગીદાર રહ્યું છે. UAE-ઇન્ડિયા CEPA કરાર પર હસ્તાક્ષરને કારણે ભારતના કાપડની નિકાસને ડ્યૂટી મુક્ત એક્સેસ મળશે. જેને કારણે નિકાસમાં આગામી સમયમાં હિસ્સો પણ વધશે. CEPAનો અર્થ કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટરનશિપ એગ્રીમેન્ટ છે.
એક્ઝિબિશન વિશે વાત કરતા તેમણે ઉમેર્યું હતું કે નિકાસકારો અત્યારે ચાલતી ફેશન ટ્રેંડ સાથે તાલ મિલાવીને ટ્રેડિશનલ કોટન અને MMF ગારમેન્ટ સેગમેન્ટની વિસ્તૃત શ્રેણીમાં સર્વશ્રેષ્ઠ એપેરલ ડિઝાઇનને એક્ઝિબિશન દરમિયાન પ્રદર્શિત કરશે.
કાચા માલની ઉપલબ્ધતા અને અન્ય વસ્તુઓના વૈવિધ્યની દૃષ્ટિએ ભારતીય કાપડ ઉદ્યોગોની ક્ષમતાને ધ્યાનમાં રાખતા આ એક્ઝિબિશન ખાસ કરીને UAEના ક્લોથિંગ બ્રાન્ડ્સ માટે એક વ્યાપક વ્યવસાય માટેની તકનું સર્જન કરશે.
દેશનો કાપડ ઉદ્યોગ વૈશ્વિક સ્તરે 16 અબજ ડોલરના ટેકનિકલ ટેક્સટાઇલ સેગમેન્ટના હિસ્સા સાથે હવે MMF ગારમેન્ટ્સમાં પણ પણ પોતાની પકડ મજબૂત બનાવવા માટે પ્રતિબદ્વ છે.