Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

રંગીલુ ગણાતું રાજકોટ શહેર હાલ દિવાળીના તહેવારના રંગે રંગાઈ ગયું છે. તહેવારોને હજુ એકાદ સપ્તાહ જેવો સમય બાકી હોવા છતાં ખરીદીનો માહોલ પૂરબહારમાં ખીલ્યો છે, અને શહેરના મુખ્ય બજારોમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. ખાસ કરીને લાખાજીરાજ બજારો અને ધર્મેન્દ્ર રોડ પર ગ્રાહકોનું માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. આ બજારોમાં કપડાં, શૂઝ, દિવાળીના સુશોભન માટેની વસ્તુઓ, રંગોળીનો સામાન અને ગિફ્ટ આઇટમ જેવી વિવિધ વસ્તુઓ ઉપલબ્ધ છે. રવિવારનો દિવસ હોવાથી ખરીદી માટે નીકળેલા લોકોની સંખ્યામાં આજે મોટો વધારો જોવા મળ્યો હતો. શહેરના ઉપરાંત આસપાસના જિલ્લાઓમાંથી પણ લોકો અહીં ખરીદી કરવા માટે પહોંચ્યા હતા.

લાખાજીરાજ બજાર મહિલાઓ માટેની વિવિધ વસ્તુઓ માટે જાણીતું હોવાથી અહીં મહિલાઓની વિશેષ ભીડ જોવા મળી હતી. મહિલાઓ ખાસ કરીને ફેશન, તેમજ જ્વેલરી, અને ઘર સુશોભનની વસ્તુઓની ખરીદીમાં વ્યસ્ત જોવા મળી હતી. માનસી પરમાર નામના મહિલા ગ્રાહકે જણાવ્યું હતું કે, હું છેલ્લા ઘણા વર્ષોથી રાજકોટ શહેરમાં રહું છું અને દર સપ્તાહે અહીં ખરીદી કરવા આવું છું. જોકે આજે મોટી સંખ્યામાં દિવાળીની ખરીદી કરવા આવ્યા હોવાથી ખૂબ ટ્રાફિક છે. આ બજારમાં વ્યાજબી ભાવમાં સારી વસ્તુઓ મળતી હોવાથી લોકો પડાપડી કરી રહ્યા છે. મેં ટ્રેડિશનલ કપડાં-શૂઝ સહિતની ખરીદી કરી છે. રાજકોટની દિવાળીની વાત કંઈક અલગ જ હોય છે.