ભારતમાં હાલ ઉત્તરાખંડના જોશીમઠમાં જમીન ધસી રહી હોવાને કારણે હાહાકાર મચેલો છે, ત્યાં ભાવનગર જિલ્લાના દરિયાકાંઠા સહિત ગુજરાતના દરિયાની વધતી જતી દરિયાઇ સપાટી અંગે ઇસરોના સંશોધકોએ ચેતવણી ઉચ્ચારી છે.
ધોવાણને કારણે રાજ્યએ 313 હેક્ટરનો વિસ્તાર ગુમાવ્યો
ઈસરોના સ્પેસ એપ્લિકેશન સેન્ટરના 2021ના સંશોધન 'શોરલાઈન ચેન્જ એટલાસ ઓફ ધ ઈન્ડિયન કોસ્ટ- ગુજરાત- દીવ અને દમણ' પર સંશોધનકર્તા રતીશ રામક્રિષ્નન અને અન્ય સંશોધકોએ ધ્યાન દોર્યું છે કે વધતી જતી દરિયાઈ સપાટી અને આબોહવા પરિવર્તનને કારણે, "ગુજરાત રાજ્યએ કાંપના જમા થવાને કારણે 208 હેક્ટર જમીનનો વિસ્તાર મેળવ્યો હોવાનો અંદાજ છે, જ્યારે ધોવાણને કારણે રાજ્યએ 313 હેક્ટરનો વિસ્તાર ગુમાવ્યો છે.આ સંશોધન મુજબ, "16 દરિયાકાંઠાના જિલ્લાઓમાં, 10 જિલ્લા ધોવાણથી પીડિત હોવાનું નોંધાયું છે, આનું કારણ દરિયાની સપાટીનું તાપમાન (SST) વધવાનું છે.
દરિયાઇ સપાટી પર વધતા તાપમાનને કારણે દરિયાઇ સપાટી વધે
ખંભાતના અખાતમાં છેલ્લા 160 વર્ષોમાં સૌથી વધુ 1.50 સે, સૌરાષ્ટ્રના દરિયાકાંઠે 1 સે. તાપમાન વધ્યુ છે. દરિયાઇ સપાટી પર વધતા તાપમાનને કારણે દરિયાઇ સપાટી વધે છે. વધતા જતા દરિયાઇ સપાટી પરના તાપમાનને કારણે દરિયાઇ મોજાની અસામાન્ય ગતિવીધિઓ રહે છે. પૂનમ અને અમાસની દરિયાઇ ભરતી દરમિયાન ઘોઘાના દરિયાકાંઠા નજીકની માનવ વસાહતોમાં દરિયાના પાણી પહોંચી જાય છે. 20 વર્ષ અગાઉ આવી ભરતીના પાણીને દરિયાઇ રક્ષક દિવાલ રોકી રાખવાનું કામ કરતી હતી.