કર્ણાટક અને મહારાષ્ટ્રની વચ્ચેનો વિવાદ આજે હિંસક થઈ ગયો છે. કર્ણાટકના બેલગામમાં કન્નડ સમૂહના 'કર્ણાટક રક્ષણા વેદિક'ના મેમ્બર્સે મહારાષ્ટ્રના ટ્રકો પર પથ્થરમારો કર્યો હતો. આ ઘટના હિરબાગડેવાડી ટોલ નાકા પાસે થઈ હતી. પોલીસે પથ્થરમારો કરી રહેલા લોકોની અટકાયત કરી હતી. તો બીજીબાજુ ઘટનાના વિરોધમાં પૂર્વ CM ઉદ્ધવ ઠાકરે જૂથના શિવસૈનિકોએ પૂણેમાં કર્ણાટકની બસ પર 'જય મહારાષ્ટ્ર' લખી નાખ્યું હતું. અને સાથે કહ્યું હતું કે 'અમે સંસ્કારી છે, એટલે બસને નુક્સાન પહોંચાડ્યું નથી.'
શિવસૈનિકોએ મહારાષ્ટ્ર-કર્ણટાક બોર્ડર પર લાગેલા ચિક્કોડીથી કર્ણાટકમાં પ્રવેશ કરીને વિરોધ કરવાનો પ્રયાસ કર્યો હતો. જેના કારણે તેમને અટકાયતમાં લીધા હતા. કોલ્હાપુરના શિવસેના પ્રમુખ વિજય દેવાનેની પણ અટકાયત કરવામાં આવી છે. આ લોકો કર્ણાટકના મુખ્યમંત્રી અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેનો વિરોધ કરી રહ્યા હતા.
CM બોમાઈ સાથે વાત કરીને ફડણવીસે નારાજગી વ્યક્ત કરી હતી
મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે ટ્રક પર પથ્થરમારાની ઘટના પર કર્ણાટકના CM બોમ્માઈ સાથે વાત કરીને નારાજગી વ્યક્ત કરી છે. બોમાઈએ કહ્યું હતું કે 'આ ઘટનામાં સામેલ દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.' તેમણે આશ્વાસન આપ્યું હતું કે 'મહારાષ્ટ્રથી આવતા વાહનોની સુરક્ષા કરવામાં આવશે.'
પુણેમાં કર્ણાટકની બસો પર શાહી લગાવવામાં આવી
પૂણેમાં, શિવસેના ઠાકરે જૂથના સભ્યોએ કર્ણાટકની બસો પર શાહી લગાવી હતી અને કેટલીક બસો પર જય મહારાષ્ટ્ર લખ્યું હતું. પોલીસે ગુસ્સે ભરાયેલા શિવસૈનિકોને શાંત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ સંમત નહોતા થયા. તેમણે કહ્યું કે 'અમે સંસ્કારી છીએ, તેથી અમે બસને નુકસાન નથી પહોંચાડી.'