આ વર્ષે દુનિયાભરમાં મંદી જોવા મળી શકે છે તેવું અનુમાન દાવોસમાં આયોજીત વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (WEF)માં વ્યક્ત કરવામાં આવ્યું છે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં અંદાજ વ્યક્ત કરાયો હતો કે 2023માં મંદીની સાથે જ ખાદ્યપદાર્થો અને એનર્જી (પેટ્રોલિયમ, વીજળી)ની કિંમત વધશે. જો કે મોટા ભાગના અર્થશાસ્ત્રીઓએ દાવો કર્યો છે કે ભારત અને બાંગ્લાદેશ જેવા દક્ષિણ એશિયન દેશોને આ મંદીનો ફાયદો મળી શકે છે.
WEFના સરવેમાં સામેલ બે તૃતિયાંશ અર્થશાસ્ત્રીઓના મતે આ વર્ષે મંદી જોવા મળી શકે છે. તેમાંથી 18%એ મંદીની આશંકા વ્યક્ત કરી છે. આ આંકડ સપ્ટેમ્બર 2022ના સરવેની તુલનાએ બમણો છે. WEF અનુસાર પ્રતિકૂળ આર્થિક સ્થિતિને કારણે દુનિયાભરના કારોબાર ખર્ચ પર કાપ મૂકશે. જો કે એક તૃતિયાંશ અર્થશાસ્ત્રીઓએ મંદીની આશંકા નકારી છે.
વર્તમાન વૈશ્વિક ટ્રેન્ડ ભારતના પક્ષમાં: સરવેમાં સામેલ મોટા ભાગના અર્થશાસ્ત્રીઓના મતે આ વર્ષે અમેરિકા તેમજ યુરોપમાં નબળો ગ્રોથ જોવા મળશે. જ્યારે ચીનને લઇને અર્થશાસ્ત્રોના મંતવ્ય અલગ અલગ રહ્યા હતા. પરંતુ મોટા ભાગના અર્થશાસ્ત્રીઓના અભિપ્રાય અનુસાર ભારતને મેન્યુફેક્ચરિંગ સપ્લાય ચેઇન ચીનથી બહાર શિફ્ટ થવાના ગ્લોબલ ટ્રેન્ડનો ફાયદો મળી શકે છે.