ભારત-ઓસ્ટ્રેલિયા વન-ડે સિરીઝની ત્રીજી અને નિર્ણાયક મેચ બુધવારે ચેન્નાઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઈ ગઈ હતી. જેમાં ટીમ ઈન્ડિયા 21 રનથી હારી ગઈ હતી. આ હાર સાથે જ ટીમ ઈન્ડિયા 1-2થી સિરીઝ હારી ગઈ છે. ઓસ્ટ્રેલિયાએ ટીમ ઈન્ડિયાને 270 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેની સામે ભારતે 49.1 ઓવરમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમ ઈન્ડિયા તરફથી સૌથી વધુ વિરાટ કોહલીએ 72 બોલમાં 54 રન બનાવ્યા હતા. હાર્દિક પંડ્યાએ 40 બોલમાં 40 રન કર્યા હતા. શુભમન ગિલે 37 રન અને કેપ્ટન રોહિત શર્માએ 30 રન કર્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી સૌથી વધુ એડમ ઝામ્પાએ 4 વિકેટ ઝડપી હતી. જ્યારે એશ્ટન અગરે 2 વિકેટ લીધી હતી. માર્કસ સ્ટોઇનિસ અને સીન અબ્બોટને 1-1 વિકેટ મળી હતી.
26 સિરીઝ પછી હાર્યું ભારત
ભારત ઓસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે વન-ડે સિરીઝ 1-2થી હારી ગયું છે. ટીમને ત્રીજી વન-ડેમાં કાંગારૂઓએ 21 રને પરાજય આપ્યો હતો. ટીમ ઈન્ડિયાએ ઘરઆંગણે 26 સિરીઝ બાદ કોઈપણ ફોર્મેટની બાઇલેટરલ સિરીઝ ગુમાવી છે. આ દરમિયાન ટીમે 24 સિરીઝ જીતી છે અને 2 ડ્રો રમી છે.
ફેબ્રુઆરી 2019માં, ઓસ્ટ્રેલિયાએ ટીમને T20 અને 5 વન-ડે મેચની સિરીઝમાં 3-2થી હરાવ્યું હતું. આ પછી ટીમે 7 વન-ડે અને 6 ટેસ્ટ સિરીઝ જીતી હતી. આ દરમિયાન ટીમે 13 T20 સિરીઝમાં 11 જીત્યા અને 2 ડ્રો રમ્યા. આ રીતે ભારતે ત્રણેય ફોર્મેટને જોડીને ઘરઆંગણે 26 સિરીઝ બાદ પહેલી સિરીઝ ગુમાવી છે.