ઓસ્ટ્રેલિયામાં આવતા મહિને યોજાનાર T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. જ્યારથી ટીમની જાહેરાત કરવામાં આવી છે ત્યારથી ક્રિકેટ ફેન્સ અને એક્સપર્ટ વચ્ચે બે નામને લઈ ઘણી ચર્ચાઓ કરવામાં આવી રહી છે. આ નામ દિલ્હીના રિષભ પંત અને કેરળના સંજુ સેમસનનું છે.
બંને વિકેટ કીપર બેટર છે અને ઈન્ડિયન ક્રિકેટ ટીમના ભવિષ્યના સ્ટાર માનવામાં આવે છે. સિલેક્ટરે પંતને ટીમના 15 ખેલાડીઓમાં સ્થાન આપ્યું છે જ્યારે સંજુ સેમસનને સ્થાન મળ્યું નથી. આ પછી આરોપ લાગી રહ્યા છે કે BCCI સંજુ સેમસન સાથે અન્યાય કરી રહી છે અને પંતના ખરાબ પ્રદર્શન કરવા છતા તેને મહત્વ આપી રહી છે.
ઓસ્ટ્રેલિયામાં T20 વર્લ્ડ કપ યોજાનાર છે. T20 ઈન્ટરનેશનલમાં પંત અને સેમસનના રેકોર્ડ પર નજર નાખીયે. પંત અત્યાર સુધી ભારતની 58 T20 મેચ રમ્યો છે. જેમાં માત્ર 23.95ની એવરેજથી 934 રન બનાવ્યા છે. સ્ટ્રાઈક રેટ (126.39) સામાન્ય છે.
સંજુ સેમસન પણ ભારત માટે અત્યાર સુધી મળેલી તકોનો પૂરો ફાયદો ઉઠાવી શક્યો નથી. તેણે 16 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે અને 21.14ની એવરેજથી 296 રન બનાવ્યા છે. સેમસનનો સ્ટ્રાઈક રેટ પંત કરતા સારો રહ્યો છે. તેણે દર 100 બોલમાં 135 રન બનાવ્યા છે.