રાજ્યના 167 તાલુકામાં શુક્રવારે ધોધમાર વરસાદ પડ્યો હતો. વિસાવદરમાં 14 કલાકમાં 15 ઇંચ વરસાદ ખાબકતા ઠેરઠેર જળબંબાકાર સર્જાયો હતો. જ્યારે અમદાવાદમાં બપોર પછી સતત વરસાદને કારણે ઠેરઠેર 3થી 4 ફૂટ પાણી ભરાતા કલાકો સુધી ટ્રાફિકજામ થયો હતો. અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં 3થી 6 ઇંચ સુધી વરસાદ પડ્યો હતો. ભાવનગર નજીક ગારિયાધાર પાસે પાણીના ધસમસતા પ્રવાહમાં ડૂબી રહેલા પરિવારને જેસીબીની મદદથી બચાવવામાં આવ્યું હતું રાજ્ય સરકારના જણાવ્યા પ્રમાણે જામનગર, જૂનાગઢ તથા નવસારીમાં નીચાણવાળા વિસ્તારમાં બચાવ કામગીરી માટે એનડીઆરએફની ટુકડીઓ રવાના કરવામાં આવી હતી. મોડી રાત્રે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્ટેટ ઇમરજન્સી ઑપરેશન સેન્ટરની મુલાકાત લઈને રાહત-બચાવ કામગીરીની સમીક્ષા કરી હતી.
આ વર્ષે જૂન મહિનામાં સૌથી વધુ વરસાદ છે
રાજ્યમાં જૂન મહિનામાં છેલ્લા 10 વર્ષનો સૌથી વધુ સરેરાશથી 75 ટકા વધુ વરસાદ થયો છે. બિપરજૉય વાવાઝોડાના કારણે રાજ્યમાં જૂનની શરૂઆતમાં જ આવેલા વરસાદથી જૂન મહિનાના સરેરાશ વરસાદનો આંકડો વધી ગયો છે. રાજ્યમાં જૂનમાં સરેરાશ વરસાદ સામે 24%થી વધારે વરસાદ થઇ ગયો છે. કચ્છમાં સિઝનનો 77% જ્યારે સૌરાષ્ટ્રમાં 34%થી વધુ વરસાદ થયો છે. ઉત્તર ગુજરાતમાં 25%, મધ્ય ગુજરાતમાં 15%, દક્ષિણમાં 17%થી વધુ વરસાદ છે. છેલ્લાં 10 વર્ષમાં જૂન મહિનામાં થયેલા વરસાદની વિગતો જોઇએ તો, આ વર્ષે જૂન મહિનામાં સૌથી વધુ વરસાદ છે. 2013માં જૂનમાં 23%થી વધુ વરસાદ હતો. 2023માં 24%થી વધુ થયો છે. રાજ્યમાં હાલની સ્થિતિએ સરેરાશથી 75% વધુ વરસાદ છે. કચ્છમાં 500%થી વધુ, દ્વારકામાં 280%થી વધુ, પાટણમાં 240%થી વધુ, બનાસકાંઠામાં 300%થી વધુ વરસાદ છે. જોકે, 10 જિલ્લામાં હજુ વરસાદની ઘટ છે. રાજ્યનાં જળાશયોમાં 41%થી વધુ જળસંગ્રહ છે.