દેશની રાજકોષીય ખાધ પહેલા ક્વાર્ટરના અંતે સમગ્ર વર્ષના લક્ષ્યને 25.3%એ પહોંચી છે. સરકારના ખર્ચ અને આવક વચ્ચેનું અંતર એટલે કે રાજકોષીય ખાધ જૂનના અંતે રૂ.4,51,370 કરોડ રહી હતી. કંટ્રોલર જનરલ ઑફ એકાઉન્ટ્સ (CGA) અનુસાર ગત નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન રાજકોષીય ખાધ બજેટ અંદાજના 21.2% રહી હતી.
સામાન્ય બજેટમાં સરકારે ચાલુ નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન રાજકોષીય ખાધ જીડીપીના 5.9% સુધી લાવવા માટેનું લક્ષ્ય નિર્ધારિત કર્યું હતું. વર્ષ 2022-23માં રાજકોષીય ખાધ કુલ જીડીપીના 6.4% હતી જેના માટે અગાઉ 6.71%નો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો હતો. CGA અનુસાર ચાલુ નાણાકીય વર્ષમાં કુલ ટેક્સ આવક રૂ.4,33,620 કરોડ અથવા 18.6% રહી હતી. જૂન 2022ના અંતે ટેક્સની આવક 26.1% રહી હતી.
પહેલા ક્વાર્ટર દરમિયાન સરકારનો કુલ ખર્ચ રૂ.10.5 લાખ કરોડ અથવા 23.3% રહ્યો હતો. ગત વર્ષના સમાન સમયગાળા દરમિયાન 24% ખર્ચ નોંધાયો હતો. કુલ ખર્ચમાંથી રૂ.7.72 લાખ કરોડ રેવેન્યૂ એકાઉન્ટ તેમજ રૂ.2.78 લાખ કરોડ કેપિટલ એકાઉન્ટ્સમાંથી હતા. કુલ ખર્ચમાંથી રૂ.2,43,705 કરોડની રકમ વ્યાજની ચૂકવણી માટે તેમજ 87,305 કરોડ સબસિડી માટે વાપરવામાં આવી હતી.