ગીતગુર્જરી સોસાયટીમાં દંપતીને યોગા શિખવાડવા જતી યોગા ટીચર પર પાડોશમાં રહેતા એએસઆઇએ નજર બગાડી નિર્લજ્જ હુમલો કર્યો હતો, તો સામાંપક્ષે પોલીસકર્મીએ પણ પાડોશી દંપતી અને તેના બે ભાઇએ પોતાના પર તથા તેના પુત્ર પર હુમલો કર્યાની વળતી ફરિયાદ કરી હતી.
રૈયા ચોકડી પાસેના જીવનનગરમાં રહેતી યોગા ટીચર દૃષ્ટિ ચેતનભાઇ વખારિયા (ઉ.વ.25)એ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે એએસઆઇ હિરેન જાની અને તેના બે પુત્રના નામ આપ્યા હતા. ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે ગીતગુર્જરી સોસાયટીમાં રહેતા સતિષભાઇ મહેતા અને તેના પત્નીને યોગ શિખવાડવા એક અઠવાડિયાથી જાય છે. યોગ શિખવાડતા હોય ત્યારે પાડોશમાં રહેતો હિરેન જાની તેને સતત ખરાબ નજરે જોયા કરતો હતો અને ખરાબ ઇશારા કરતો. ગત તા.23ના દૃષ્ટિ યોગા શિખવાડીને પોતાના ઘરે જતી હતી ત્યારે પોલીસમેન હિરેન જાનીએ તેનો પીછો કરી એરપોર્ટ રોડ પર બગીચા પાસે તેને અટકાવી હું પોલીસમાં છું તેમ કહી તાબે થવાનું કહ્યું હતું અને તાબે નહીં થાય તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. બુધવારે સવારે પણ દૃષ્ટિ યોગ શિખવાડવા ગઇ હતી ત્યારે શેરીમાં હિરેન જાનીએ તેને અટકાવી હાથ પકડવાનો પ્રયત્ન કર્યો હતો. દૃષ્ટિ તેના સકંજામાંથી છૂટી સતિષભાઇના ઘરે દોડી ગઇ હતી અને આ મામલે પોલીસને જાણ કરતાં પોલીસ દોડી ગઇ હતી. સામાપક્ષે મવડી હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા એએસઆઇ હિરેનભાઇ હસમુખભાઇ જાની (ઉ.વ.46)એ વળતી ફરિયાદ નોંધાવી હતી જેમાં આરોપી તરીકે સતિષભાઇ, પલ્લવીબેન, નરેશભાઇ અને મુનાભાઇના નામ આપ્યા હતા. ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે દરરોજ સવારે પોતાના ઘરની અગાશી પર યોગા કરે છે. પાડોશમાં રહેતા સતિષભાઇના ઘરે યોગા ટીચર આવતા હોય અને તેના મકાનની બારી હિરેનભાઇના ઘર પાસે પડતી હોય સતિષભાઇ અને તેના પત્ની પલ્લવીબેને પોતાના મકાનમાંથી કહ્યું હતું કે, તું તારા ઘરમાં જઇને યોગા કર, અને નીચે જતો રહે તેમ કહી ધમકી આપી હતી. ત્યાબાદ સતિષભાઇ અને તેના બંને ભાઇઓએ નીચે બોલાવી હિરેનભાઇ અને તેના પુત્ર દેવાંશ પર હુમલો કર્યો હતો.