પેટીએમ પેમેન્ટસ બૅન્કને રોજ નવા નવા ફટકા પડી રહ્યા છે. આરબીઆઇ તરફથી પ્રતિબંધનો સામનો કરી રહેલી બૅન્ક માટે હવે વધુ એક નિરાશાજનક સમાચાર આવ્યા છે. ટ્રેડર્સના સંગઠન ‘કેટ’એ બિઝનેસ ટ્રાન્જેક્શન માટે પેટીએમના બદલે અન્ય પેમેન્ટ ઓપ્શનનો ઉપયોગ કરવા માટે વેપારીઓને અપીલ કરી છે. આરબીઆઇએ પેટીએમ વોલેટ અને બૅન્કના ઓપરેશન પર પ્રતિબંધ મૂકી દીધો હતો.
કેટે કહ્યું છે કે રિઝર્વ બૅન્કે પેટીએમ પર પ્રતિબંધ મૂક્યો છે. આથી નાના વેપારીઓને વિકલ્પ શોધવાની જરૂર છે. આનાથી તેમના પૈસા સુરક્ષિત રહેશે. સાથે સાથે કારોબાર કોઇ પણ રીતે રોકાયા વગર સતત ચાલશે.
કન્ફડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (કેટ)નું કહેવું છે કે નાના વેપારીઓ, વેન્ડર્સ, હોકર્સ અને મહિલા મોટી સંખ્યામાં પેટીએમ મારફતે બિઝનેસ ચલાવે છે. પેટીએમની સામે થઇ રહેલી કાર્યવાહીથી નાના વેપારીઓ મોટી મુશ્કેલીમાં ફસાઇ ગયા છે.