સપ્તાહના બીજા દિવસે વૈશ્વિક બજારોમાં મિશ્ર ટ્રેન્ડ વચ્ચે ભારતીય શેરબજારમાં બેંકિંગ - ફાઈનાન્સ ફ્રન્ટલાઈન શેરો સાથે રિયલ્ટી, પાવર, યુટિલિટીઝ, ઓઈલ એન્ડ ગેસ હેવીવેઈટ શેરોમાં તેજીના સથવારે આજે સતત છઠ્ઠા દિવસે ઇન્ડેક્સ બેઝડ બજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું. ફંડોએ બેંકિંગ-ફાઈનાન્સ શેરો એચડીએફસી બેન્ક, એક્સીસ બેન્ક, કોટક મહિન્દ્ર બેન્ક તેમજ આઈસીઆઈસીઆઈ બેંક સાથે પાવર શેરોમાં પાવરગ્રીડ કોર્પોરેશન, એનટીપીસી લિ. તેમજ લાર્સન લિ., બજાજ ફાઈનાન્સ અને હિન્દુસ્તાન યુનિલિવર સહિતના શેરોમાં આકર્ષણે બીએસઈ સેન્સેક્સ 73000 પોઈન્ટ તેમજ નિફટી ફ્યુચર 22200 પોઈન્ટ ઉપર બંધ રહેવામાં સફળ રહ્યા હતા. સ્મોલ, મિડ કેપ શેરોમાં વેચવાલી સામે ફંડો, ખેલંદાઓ, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોએ લાર્જકેપ તેમજ રોકડાના શેરોમાં ખરીદી કરતાં માર્કેટબ્રેડથ પોઝિટીવ રહી હતી.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ 0.17% અને સ્મોલકેપ ઈન્ડેક્સ 0.18% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર બેન્કેક્સ, રિયલ્ટી, ફાઈનાન્શિયલ સર્વિસીસ, પાવર, યુટિલિટીઝ, ઓઈલ એન્ડ ગેસ, સર્વિસિસ, ટેલિકોમ્યુનિકેશન, કેપિટલ ગુડ્સ, હેલ્થકેર અને કોમોડિટીઝ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 3931 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 1887 અને વધનારની સંખ્યા 1949 રહી હતી, 95 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે 2 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 8 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.