ટીમ ઈન્ડિયાએ ગઈકાલે T20 વર્લ્ડ કપમાં બાંગ્લાદેશ સામેની ખૂબ જ મહત્વપૂર્ણ મેચ જીતી લીધી છે. ભારતે ડકવર્થ-લુઈસ નિયમ પ્રમાણે સુપર-12ની મેચ 5 રને જીતી લીધી હતી. ત્યારે આ જીત સાથે જ હવે ટીમ ઈન્ડિયા ગ્રુપ-2માં ટોપ પર આવી ગઈ છે.
હવે ભારતનું સેમિફાઈનલમાં પહોંચવું લગભગ નિશ્ચિત છે. આ જીત સાથે જ ટીમના 6 પોઇન્ટ્સ થઈ ગયા છે અને હવે આ ગ્રુપમાં સાઉથ આફ્રિકા સિવાય અન્ય કોઈ ટીમ 6 પોઇન્ટ્સથી આગળ વધી શકે તેમ નથી. ભારત હવે તેની છેલ્લી મેચ 6 નવેમ્બરે ઝિમ્બાબ્વે સામે રમશે. ઝિમ્બાબ્વે સામેની જીત પછી ટીમ ઈન્ડિયાના 8 પોઇન્ટ્સ થઈ જશે અને ત્યારપછી સેમિફાઈનલનો રસ્તો નિશ્ચિત થઈ જશે.
ઓપનર કેએલ રાહુલ વર્લ્ડ કપની પ્રથમ 3 મેચમાં નિષ્ફળ રહ્યો હતો. આ મેચમાં તે એક વખત પણ 10 રનના આંકડાને ક્રોસ કરી શક્યો નથી. તેને પ્લેઇંગ-11માંથી બહાર કરવાની માગ ઉઠી હતી, પરંતુ કોચ રાહુલ દ્રવિડ અને કેપ્ટન રોહિત શર્માએ રાહુલ પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. બાંગ્લાદેશ સામે રાહુલ ફોર્મમાં પરત ફર્યો હતો અને તેણે 32 બોલમાં 50 રન બનાવ્યા હતા. તેણે 3 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. તો તેની સ્ટ્રાઈક રેટ 156.25ની રહી હતી.
ભારતની પ્રથમ વિકેટ વહેલી પડી હતી. કેપ્ટન રોહિત શર્મા 8 બોલમાં 2 રન બનાવીને આઉટ થયા હતા. મુશ્કેલ પરિસ્થિતિમાં રાહુલ અને વિરાટ કોહલીએ બીજી વિકેટ માટે 67 રન જોડ્યા હતા. આનાથી ભારતીય ઇનિંગ્સ પાટા પર આવી ગઈ હતી.
વિરાટે આ વર્લ્ડ કપમાં અત્યાર સુધીમાં 4 મેચમાં 3 અડધી સદી ફટકારી છે. બાંગ્લાદેશ સામે પણ તેમણે પહેલા ટીમની ઇનિંગને સંભાળી હતી. 145ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરતા વિરાટે 44 બોલમાં 64 રન બનાવ્યા હતા. તે અંત સુધી નોટઆઉટ રહ્યા હતા અને તેમની આ શાનદાર બેટિંગના કારણે ટીમ ઈન્ડિયાએ 184 રન બનાવ્યા હતા. તેઓને આ ઇનિંગ માટે પ્લેયર ઑફ ધ મેચ પણ બનાવવામાં આવ્યા હતા.