ભારતે પોતાની આઝાદીના 75 વર્ષ પૂરા કરી લીધા છે. આ અવસર પર દેશ આજે આઝાદીના મહાપર્વની ઉજવણી કરી રહ્યો છે. દુનિયાભરના રાજનેતા, જાણીતી હસ્તિઓ અને ક્રિકેટરો સ્વતંત્રતા દિવસની શુભેચ્છા આપી રહ્યાં છે. ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન કેવિન પીટરસને પણ હિન્દીમાં ટ્વીટ કરી ભારતીય જનતાને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા આપી છે.
પીટરસને ટ્વીટ કર્યું, '75માં સ્વાતંત્રતા દિવસની શુભકામનાઓ, ભારત. ગર્વ કરો અને લાંબા ઉભા રહો. તમારા બધા માટે એક સારી આવતીકાલનું નિર્માણ થઈ રહ્યું છે.'
સાઉથ આફ્રિકાના પૂર્વ કેપ્ટન એબી ડિવિલિયર્સે પણ આઝાદી દિવસની શુભેચ્છા આપી છે. એબીડીએ ટ્વીટ કર્યું, 76માં સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ ભારત. જ્યારે પણ હું ભારતમાં રમુ છું તો મને પ્રેમ મળે છે. તેનાથી કોઈ ફેર નથી પડતો કે હું કઈ ટીમ માટે રમુ છું.
હિન્દીમાં ટ્વીટ કરવા જાણીતો છે પીટરસન
42 વર્ષીય કેવિન પીટરસન હંમેશા ચર્ચામાં રહે છે અને તે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેનાર ક્રિકેટર છે. ખાસ વાત છે કે તે ભારતીય ફેન્સના નામે હંમેશા હિન્દીમાં ટ્વીટ કરે છે. આ પહેલા પણ તે ઘણીવાર હિન્દીમાં ટ્વીટ કરી ભારતીય ફેન્સના દિલ જીતી ચુક્યો છે.
કેવિન પીટસરને ઈંગ્લેન્ડ માટે 104 ટેસ્ટ, 136 વનડે અને 37 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. તેના નામે ટેસ્ટમાં 8181 રન નોંધાયેલા છે. તો વનડેમાં પીટરસને 40.73ની એવરેજથી 4440 અને ટી20 આંતરરાષ્ટ્રીયમાં 1176 રન બનાવ્યા હતા.