જાપાનમાં મહિલાઓમાં દારૂ પીવાનું ચલણ ઝડપથી વધી રહ્યું છે. ખાસ કરીને 50 વર્ષ અને તેથી વધુ વયની મહિલાઓમાં આ વ્યસન ગંભીર રીતે વધી રહ્યું છે. વધુ આલ્કોહોલનું સેવન કરતી આ વય જૂથની મહિલાઓની સંખ્યા એક દાયકામાં બમણી થઈ ગઈ છે.
ટોક્યો મેટ્રોપોલિટન ગવર્નમેન્ટ દ્વારા દર પાંચ વર્ષે એક વખત કરવામાં આવતા સરવે મુજબ વધુ પડતી માત્રામાં આલ્કોહોલનું સેવન કરતી મહિલાઓની ટકાવારી વધીને 17.7% થઈ ગઈ છે. આ આંકડો પ્રથમ વખત પુરુષો કરતાં વધુ છે.
સરવે અનુસાર, 2011માં 14% મહિલાઓએ વધુ પ્રમાણમાં આલ્કોહોલનું સેવન કર્યું હતું, જ્યારે 2016માં આ આંકડો વધીને 15.5% થયો હતો. તેનાથી વિપરીત, બિનઆરોગ્યપ્રદ પ્રમાણમાં દારૂ પીનારા પુરુષોની ટકાવારી 2011માં 19%થી ઘટીને હવે 16.5% થઈ ગઈ છે.
કોરોના મહામારી દરમિયાન મહિલાઓ વધુ દારૂ પીવા પાછળનું મુખ્ય કારણ ઘરેથી કામ કરવું અને ઘરના કામનો તણાવ છે. ખરેખર, ઘરેથી કામ કરવાથી દારૂ પીવાની શક્યતા વધી જાય છે. જો તમે ઘરેથી કામ કરતી વખતે આલ્કોહોલ પીવાની આદત વિકસાવો છો તો આ વ્યસનથી છુટકારો મેળવવો મુશ્કેલ છે. ટોક્યોમાં આલ્કોહોલ એડિક્શન સપોર્ટ સેન્ટરના વડા કનાકો તનાહારાનું કહેવું છે કે એકવાર ઘરે પીવાની ટેવ પડી જાય છે પછી તેને ભૂલાવવી મુશ્કેલ છે.