વૈશ્વિક બજારોમાં અનિશ્ચિતત્તાનો માહોલ છતાં ભારતીય શેરબજારમાં વર્ષના અંતીમ બે માસ રોકાણકારો માટે કમાણીના સાબીત થઇ શકે છે. યુએસ ફેડ દ્વારા વ્યાજદરમાં વધારો કરવામાં આવ્યો હોવા સાથે વૈશ્વિક બજારોમાં નિરૂત્સાહી ટ્રેન્ડ વચ્ચે ભારતીય માર્કેટ પોઝિટીવ રહ્યાં છે.
શેરબજારમાં રોકાણ કરનારાઓ માટે નવેમ્બર અને ડિસેમ્બર શ્રેષ્ઠ સાબિત થઈ શકે છે. બે દાયકાના અહેવાલ સૂચવે છે કે વર્ષના છેલ્લા બે મહિનામાં શેરબજારનું સરેરાશ વળતર બાકીના મહિનાઓ કરતાં વધુ રહ્યું છે. બીજી તરફ સ્થાનિક બજારો સામાન્ય રીતે જાન્યુઆરી-માર્ચ વચ્ચે નેગેટિવ રિટર્ન આપે છે. એટલે કે આ સમયગાળા દરમિયાન રોકાણકારો ખોટ કરી રહ્યા છે.
સ્ટોક એનાલિટિક્સ અને ફાઇનાન્શિયલ એજ્યુકેશન સર્વિસિસ પ્લેટફોર્મ ટ્રેડ બ્રેન્સના અહેવાલ અનુસાર સ્થાનિક શેરબજારે છેલ્લા 22 વર્ષમાં ડિસેમ્બરમાં સૌથી વધુ સરેરાશ 2.85% રિટર્ન આપ્યું છે જ્યારે નવેમ્બરમાં સરેરાશ 2.70% ના રિટર્ન સાથે આ સંદર્ભમાં બીજા ક્રમે છે.
તેનાથી વિપરીત જાન્યુઆરી અને માર્ચ વચ્ચે સ્ટોક રોકાણકારોને સરેરાશ 0.24%નું નુકસાન થયું છે. છેલ્લા બે દાયકાથી મે અને ઓક્ટોબરનું સરેરાશ વળતર લગભગ સ્થિર અથવા 1% કરતા ઓછું રહ્યું છે. વૈશ્વિક સ્તરે ફુગાવાને કાબુમાં લેવા માટે સેન્ટ્રલ બેન્કો સતત વ્યાજદરમાં વધારો કરી રહી હોવા છતાં બજારમાં સુધારાનો માહોલ બની રહ્યો છે.