વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે પણ ભારતની ચમક યથાવત્ છે. વર્ષ 2030 સુધીમાં 500 ગીગાવોટ્સ રિન્યુએબલ એનર્જી હાંસલ કરવી, વર્ષ 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનવું તેમજ 2070 સુધીમાં નેટ ઝીરો ઇકોનોમી જેવા લક્ષ્યો સામેલ છે. આ લક્ષ્યાંકોને હાંસલ કરવામાં દેશમાં ગ્રીન એનર્જી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે અને આ ક્રાંતિમાં કાચા માલના નોંધપાત્ર યોગદાનને પણ નજરઅંદાજ કરી શકાય નહીં. કાચા માલમાં સોડા એશ અથવા સોડિયમ કાર્બોનેટ બહુમુખી ઔદ્યોગિક સંયોજન તરીકે ઉભરી આવ્યું છે તેમજ પ્રમુખ સેક્ટર્સમાં તેની અગત્યની ભૂમિકાએ સૌ કોઇનું ધ્યાન ખેંચ્યું છે.
વૈશ્વિક સોડા એશ માર્કેટ 2.5-3% CAGR પર સતત વધી રહ્યું છે, જેની વાર્ષિક વધારાની માંગ 2 મિલિયન મેટ્રિક ટન (MMT)છે. વૈશ્વિક ઉત્પાદન ક્ષમતા 79 મિલિયન મેટ્રિક ટન છે ત્યારે વાસ્તવિક ઉત્પાદન 66 મિલિયન મેટ્રિક ટન છે. વાર્ષિક 4.4 મિલિયન મેટ્રિક ટનની માંગ સાથે ભારત સ્થાનિક ઉત્પાદનની અછતનો સામનો કરે છે. અત્યારની ક્ષમતા 4.3 મિલિયન મેટ્રિક ટન છે, પરંતુ વાસ્તવિક ઉત્પાદન માત્ર 3.8 મિલિયન મેટ્રિક ટન છે, જે વાર્ષિક 0.6 મિલિયન મેટ્રિક ટનની આયાતની જરૂરિયાત પર ભાર મૂકે છે. પરંપરાગત રીતે, ગ્લાસ, ડીટર્જન્ટ્સ અને ડાય જેવા સેક્ટર્સમાં માંગ 5%ના CAGR દરે વધી રહી છે ત્યારે સોલર ગ્લાસ અને લિથિયમ આયન બેટરીને અપનાવવાની સાથે તે 6-7% પર પહોંચવાની ધારણા છે. વર્ષ 2030 સુધી દેશની સોડા એશની માંગ વધીને 7.1 મિલિયન મેટ્રિક ટન પહોંચવાની ધારણા છે.