ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 આજથી શરૂ થઈ રહી છે. ટુર્નામેન્ટની પહેલી મેચ આજે ગ્રૂપ-Aની ટીમ પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે. પાકિસ્તાન ડિફેન્ડિંગ ચેમ્પિયન છે. જ્યારે ન્યૂઝીલેન્ડે વર્ષ 2000માં ટાઇટલ જીત્યું હતું. ટુર્નામેન્ટના ઇતિહાસમાં પાકિસ્તાન અત્યાર સુધી ન્યૂઝીલેન્ડને હરાવી શક્યું નથી.
બંને ટીમ છેલ્લે આ મહિનાની 14મી તારીખે ODIમાં એકબીજાનો સામનો કરી હતી. જ્યારે ન્યૂઝીલેન્ડે ત્રિકોણીય શ્રેણીની ફાઈનલમાં પાકિસ્તાનને હરાવીને ટાઇટલ જીત્યું હતું.
ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડની ટીમ 3 વખત ટકરાઈ છે. કિવી ટીમે ત્રણેય મેચ જીતી છે. આમાં 2000 અને 2009ના સેમિફાઈનલનો પણ સમાવેશ થાય છે. બંને ટીમ વન-ડેમાં 118 વખત એકબીજાનો સામનો કરી ચૂકી છે. આમાં પાકિસ્તાને 61 મેચ અને ન્યૂઝીલેન્ડે 53 મેચ જીતી હતી. જ્યારે 3 મેચના પરિણામો આવી શક્યા ન હતા અને એક મેચ ટાઈ રહી હતી.
ન્યૂઝીલેન્ડનો ફાસ્ટ બોલર લોકી ફર્ગ્યુસન હેમસ્ટ્રિંગની ઈજાના કારણે ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થઈ ગયો છે. તેના સ્થાને કાયલ જેમિસનને સામેલ કર્યો છે. જમણા હાથના ઝડપી બોલર લોકી ફર્ગ્યુસનને લગભગ 10 દિવસ પહેલા UAE લીગ ILT20 ની એક મેચ દરમિયાન ઈજા થઈ હતી.