ભારતને સાઉથ આફ્રિકા સામેની કોલકાતા ટેસ્ટમાં 30 રનથી હારનો સામનો કરવો પડ્યો છે. ટીમે 15 વર્ષ બાદ પોતાના ઘરમાં સાઉથ આફ્રિકા સામે કોઈ મેચ ગુમાવી છે. છેલ્લી હાર 2010માં ગ્રીમ સ્મિથની કેપ્ટનશીપમાં નાગપુરમાં મળી હતી.
ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રવિવારે 124 રનનો ટાર્ગેટ ચેઝ કરી રહેલી ભારતીય ટીમ 9 વિકેટે 93 રન જ બનાવી શકી. કેપ્ટન શુભમન ગિલ બેટિંગ કરવા નહોતો આવ્યો. તે એક દિવસ પહેલાં ગરદનમાં દુખાવાને કારણે રિટાયર હર્ટ થયો હતો.
ટીમ ઈન્ડિયા તરફથી વોશિંગ્ટન સુંદરે સૌથી વધુ 31 રન બનાવ્યા. સાયમન હાર્મરને મેચમાં કુલ 8 વિકેટ મળી.
આ પહેલાં સાઉથ આફ્રિકા બીજી ઇનિંગ્સમાં 153 રન પર ઓલઆઉટ થઈ ગઈ. સાઉથ આફ્રિકાએ શુક્રવારે ટૉસ જીતીને પહેલા બેટિંગનો નિર્ણય કર્યો હતો. ટીમ પહેલી ઇનિંગ્સમાં 159 રન પર સમેટાઈ ગઈ. જ્યારે, ભારતે પહેલી ઇનિંગ્સમાં 189 રન બનાવ્યા હતા.