ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડને આયર્લેન્ડ પ્રવાસમાંથી આરામ આપવામાં આવશે. દ્રવિડની સાથે બેટિંગ અને બોલિંગ કોચ પણ આયર્લેન્ડ જશે નહીં. તેમના સ્થાને એનસીએના સભ્યો ટીમ ઈન્ડિયા સાથે કોચિંગ સ્ટાફ તરીકે રહેશે. અહેવાલો અનુસાર, વીવીએસ લક્ષ્મણ આયર્લેન્ડ પ્રવાસ માટે મુખ્ય કોચ હશે.
આયર્લેન્ડ પ્રવાસ 18 ઓગસ્ટથી શરૂ થશે. ટીમ ઈન્ડિયા અહીં 3 T20 મેચ રમશે. માનવામાં આવી રહ્યું છે કે અહીં માત્ર હાર્દિક પંડ્યાને જ કેપ્ટનશિપ આપવામાં આવશે. જ્યારે રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજા જેવા સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવશે.
એશિયા કપ, વર્લ્ડ કપ માટે આરામ આપવામાં આવ્યો છે
રાહુલ દ્રવિડની સાથે બેટિંગ કોચ વિક્રમ રાઠોર અને બોલિંગ કોચ પારસ મ્હાબરે પણ આયર્લેન્ડ જશે નહીં. આ ત્રણેય 13 ઓગસ્ટે વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકાનો પ્રવાસ ખતમ થયા બાદ સીધા ભારત આવશે. કોચિંગ સ્ટાફને એશિયા કપ, ઓસ્ટ્રેલિયાથી ઓડીઆઈ સીરીઝ અને સૌથી મહત્વની વાત એ છે કે ઓડીઆઈ વર્લ્ડ કપની તૈયારી માટે બ્રેક આપવામાં આવી રહ્યો છે.
એશિયા કપ 31 ઓગસ્ટથી શરૂ થશે. સપ્ટેમ્બરમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 વનડે સિરીઝ રમાશે. સીરીઝ બાદ ભારતમાં 5 ઓક્ટોબરથી ODI વર્લ્ડ કપ પણ શરૂ થશે. કોચિંગ સ્ટાફને બ્રેક આપવામાં આવી રહ્યો છે જેથી તેઓ મહત્વપૂર્ણ ટૂર્નામેન્ટ માટે શાંતિથી તૈયારી કરી શકે.