ભારતે વર્લ્ડ કપ 2023માં સતત પાંચમી જીત મેળવી હતી. ટીમે ન્યૂઝીલેન્ડને 4 વિકેટે હરાવ્યું હતું. ભારતીય ટીમે 20 વર્ષ બાદ આ ટુર્નામેન્ટમાં કિવીઝ પર જીત મેળવી છે. આ પહેલાં 2003માં સેન્ચુરિયન મેદાન પર કિવી ટીમને 7 વિકેટે હાર આપી હતી.
આ જીત સાથે ભારતીય ટીમ પોઇન્ટ્સ ટેબલમાં ટોપ પર આવી ગઈ છે. હવે ટીમ ઈન્ડિયાના ખાતામાં 5 મેચ બાદ 10 પોઇન્ટ્સ થઈ ગયા છે. આવી સ્થિતિમાં ભારતની ટોપ-4માં પહોંચવાની શક્યતાઓ પ્રબળ બની છે. હવે ટીમને ચારમાંથી માત્ર 2 મેચ જીતવી પડશે.
રવિવારે ધર્મશાલા મેદાનમાં ભારતે ટૉસ જીતીને ફિલ્ડીંગ કરવાનું પસંદ કર્યું હતું. ટૉસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા આવેલી ન્યૂઝીલેન્ડની ટીમ 50 ઓવરમાં 273 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતીય ટીમે 48 ઓવરમાં 6 વિકેટે 274 રનનો ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. વિરાટ કોહલીએ 104 બોલમાં 95 રનની ઇનિંગ રમી હતી, જ્યારે મોહમ્મદ શમીએ 5 વિકેટ ઝડપી હતી.