મંગળવારે અફઘાનિસ્તાને તેમના ક્રિકેટ ઇતિહાસનો અત્યાર સુધીનો સૌથી મહત્વપૂર્ણ દિવસ અનુભવ્યો. રાશિદ ખાનની આગેવાની હેઠળની ટીમે બાંગ્લાદેશને હરાવી ઓસ્ટ્રેલિયાને વર્લ્ડ કપમાંથી બહાર કાઢીને પ્રથમ વખત T20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં ક્વોલિફાય કર્યું હતું. જો કે મેચ દરમિયાન એક એવી ઘટના બની જેના કારણે સોશિયલ મીડિયા પર લોકોએ અફઘાનિસ્તાન સામે આંગળી ચીંધી અને ક્વોલિફાય થવા માટે ચીટિંગ કરી હોવાનો આરોપ પણ લગાવ્યો.
બન્યું એવું કે વરસાદની વચ્ચે અફઘાનિસ્તાનના કોચ ટ્રોટે ગેમ સ્લો ડાઉન કરવા માટે સિગ્નલ આપ્યું અને ત્યાર પછી ગુલબદ્દીન નઇબ નાટકીય રીતે તેની જાંઘ પકડીને નીચે પડી જાય છે.
પરંતુ થોડી મિનિટો પછી ઓલરાઉન્ડર માત્ર મેદાન પર પરત જ ન ફર્યો પરંતુ તેણે તન્ઝીમ હસનની વિકેટ પણ લીધી હતી, જેના કારણે ઘણા પૂર્વ ખેલાડીઓ અને કોમેન્ટેટરોએ તેના આ એક્ટ પર સવાલ ઉઠાવ્યો છે. આ ઘટના પર અફઘાનિસ્તાનના કેપ્ટન રાશિદ ખાનનું પણ રિએક્શન આવ્યું છે.
આ ઘટના પર રાશિદ ખાને કહ્યું, "વેલ, તેને ખેંચ અનુભવાઈ હતી, મને ખબર નથી કે તેની સાથે શું થયું છે અને મને ખબર નથી કે સોશિયલ મીડિયામાં શું ચાલી રહ્યું છે પરંતુ તેનાથી કોઈ ફરક પડતો નથી- તે એન્ડ ફિલ્ડ ઈન્જરી હતી. અમે કોઈપણ ઓવર ગુમાવી, વરસાદ આવ્યો અને અમે નીકળી ગયા, તેનાથી ગેમમાં મોટો ફરક આવે તેનું નહતું."