ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે T20 સિરીઝની બીજી મેચ આજે લખનઉના ભારત રત્ન અટલ વિહારી ઇકાના સ્ટેડિયમમાં રમાઈ ગઈ હતી. જેમાં ટીમ ઈન્ડિયાએ આ મેચ 6 વિકેટે જીતી લીધી હતી. ટીમ ઈન્ડિયાને મળેલા 100 રનના ટાર્ગેટને ચેઝ કરવામાં પરસેવો છૂટી ગયો હતો. ઇકાના સ્ટેડિયમની પિચ આ વખતે ખૂબ જ ટર્ન લેતી હતી. એટલે 100 રનના ટાર્ગેટને ભારતે 19.5 ઓવરમાં ચેઝ કર્યો હતો. ટીમ ઈન્ડિયા તરફથી સૌથી વધુ સૂર્યકુમાર યાદવે 26 રન કર્યા હતા. ઈશાન કિશને 32 બોલમાં 18 રન બનાવ્યા હતા. હાર્દિક પંડ્યાએ 15 રન બનાવ્યા હતા. કિવી ટીમ તરફથી સૌથી વધુ ઈશ સોઢી અને માઇકલ બ્રેસવેલને 1-1 વિકેટ મળી હતી. આ મેચમાં જીત સાથે સિરીઝ 1-1ની બરાબરી પર આવી ગઈ છે. હવે સિરીઝ ડિસાઇડર 1 ફેબ્રુઆરીએ અમદાવાદમાં રમાશે.
પહેલી: શુભમન ગિલ પહેલી મેચની જેમ જ આઉટ થયો હતો. બ્રેસવેલે શોર્ટ બોલ નાખ્યો હતો, જેને ગિલ પુલ શોટ મારવા જતા બેકવર્ડ સ્ક્વેર લેગ પર ઊભેલા ફિન એલને કેચ કર્યો હતો.
બીજી: ઈશાન કિશને સેન્ટનરના બોલ પર મિડ-વિકેટ પર શોટ મારીને બે રન લેવા દોડ્યો હતો. જોકે તે બીજો રન પૂરો કરી શક્યો નહોતો અને રનઆઉટ થયો હતો.
ત્રીજી: રાહુલ ત્રિપાઠી ઈશ સોઢીની બોલિંગમાં કેચઆઉટ થયો હતો. તેનો કેચ ગ્લેન ફિલિપ્સે કર્યો હતો.
ચોથી: સૂર્યા એક રન લેવા દોડ્યો હતો અને નોન-સ્ટ્રાઇક એન્ડ પર ઊભેલા સુંદર ઊભો રહ્યો હતો. બન્ને બેટર્સ વચ્ચે ગેરસમજના કારણે સુંદર રનઆઉટ થયો હતો.
મેચમાં એક પણ છગ્ગો આવ્યો નથી!
આજે રમાયેલી ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની બીજી T20 મેચમાં બન્ને ઇનિંગ્સમાંથી એક પણ છગ્ગો આવ્યો નહોતો. એટલે કે બન્ને ટીમની ઇનિંગના કુલ 239 બોલ (કિવીઝ-20 ઓવર અને ભારત-19.5 ઓવર)માં એક પણ છગ્ગો આવ્યો નથી. છેલ્લે આવું 2021માં બાંગ્લાદેશ અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની T20 મેચમાં બન્યું હતું. ત્યારે મિરપુરમાં રમાયેલી T20 મેચમાં 238 બોલમાં એક પણ છગ્ગો આવ્યો નહોતો.
ચહલ T20માં ભારતનો સૌથી વધુ વિકેટ લેનાર બોલર
ચહલ T20માં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો છે. તેણે ઈન્ટરનેશનલ T20 ક્રિકેટમાં 91 વિકેટ લીધી છે. ચહલે ભુવનેશ્વર કુમાર (90 વિકેટ)ને પાછળ છોડી દીધો છે.