ચુંટણી તંત્ર શિયાળબેટ જેવા ટાપુ પર સ્ટાફ પહોંચાડીને મતદાન કરાવે છે. કે બાણેજ જેવા મધ્ય ગીરમા માત્ર એક મતદાર માટે બુથ ઉભુ કરી શકે છે. પરંતુ અમરેલી જિલ્લાની બોર્ડર પર ગીર જંગલની અંદરના નેસડાઓમા વસતા લોકો માટે જંગલમા બુથ તૈયાર કરાતા નથી. નેસમા વસતા લોકોને મતદાન કરવા માટે જંગલમાથી બહાર નીકળી નજીકના ગામોમા મતદાન માટે જવુ પડે છે. જંગલમા વસતા લોકોને મતદાન કરાવવા માટે વર્ષોથી ચુંટણી તંત્રનુ વિચિત્ર વલણ સ્પષ્ટ નજરે પડે છે. જંગલમા કેટલાક નેસ એવા છે જયાં બુથ ઉભા કરાય છે.
બાણેજમા તો માત્ર એક મતદાર માટે બુથ ઉભુ કરાતુ હતુ પરંતુ ધારી અને ખાંભા તાલુકાને અડીને આવેલા જંગલની અંદર નેસમા વસતા માલધારીઓ માટે તંત્ર દ્વારા કોઇ બુથ ઉભુ કરવામા આવતુ નથી. આ નેસમા પશુપાલકો વસે છે. જંગલમા તેમનો માત્ર આ એક જ વ્યવસાય છે. મોટાભાગના પશુપાલકો અશિક્ષિત છે. જેથી તંત્ર પણ તેમની સુવિધાએા માટે કોઇ ધ્યાન આપતુ નથી. આવુ જ ચુંટણીની બાબતમા પણ જોવા મળી રહ્યું છે. ખાંભા નજીકના જંગલમા રેબડીપાટ નેસમા 40થી વધુ લોકોનો વસવાટ છે.
જો કે આ નેસના ગામના લોકોના નામ જંગલ બહાર ત્રણ કિમી દુર આવેલા ભાણીયા ગામની મતદાર યાદીમા બોલી રહ્યાં છે જેથી તેમને મતદાન કરવા ભાણીયા આવવુ પડે છે. આવી જ રીતે પાડાગાળામા 20થી વધુ મતદાર છે જે બોરાળા ગામે મત દેવા આવે છે. રાવણાપાટના 15થી વધુ મતદારો ભાણીયા ગામે વોટ દેવા આવે છે. જયારે શીરનેસના 50 મતદારો પીપળવા ગામે મત દેવા આવે છે. લીલાપાણી નેસના 60થી વધુ મતદારો આઠ કિમી દુર પાણીયા ગામે મત દેવા આવે છે.