આસામના ઓલરાઉન્ડર રિયાન પરાગે દેવધર ટ્રોફીમાં એક ઇનિંગમાં સૌથી વધુ સિક્સર ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો છે. તેણે 13 વર્ષ પહેલાનો યુસુફ પઠાણનો રેકોર્ડ તોડ્યો હતો.
દેવધર ટ્રોફીની મેચ શુક્રવારે રમાઈ રહી છે. રિયાન પરાગ ઈસ્ટ ઝોન તરફથી રમી રહ્યો છે. તેણે નોર્થ ઝોન સામેની મેચમાં 84 બોલમાં સદી ફટકારી હતી. પ્રથમ દાવમાં રિયાન પરાગની સદીની મદદથી ઈસ્ટ ઝોને 8 વિકેટ ગુમાવીને 337 રન બનાવ્યા હતા અને નોર્થ ઝોનને 338 રનનો ટાર્ગેટ આપ્યો હતો.
બીજી મેચમાં સાઉથ ઝોને નોર્થ ઈસ્ટ ઝોનને 9 વિકેટે હરાવ્યું હતું. કેરળના બેટર રોહન કુનુમલે 87 રનની અડધી સદીની ઇનિંગ રમી હતી.
131 રનની ઇનિંગ રમી
પરાગે 102 બોલમાં 131 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે પાંચ ચોગ્ગા અને 11 છગ્ગા ફટકાર્યા હતા. તેણે દેવધર ટ્રોફીની એક ઇનિંગમાં સૌથી વધુ છગ્ગા મારવાના મામલે યુસુફ પઠાણને પાછળ છોડી દીધો. પઠાણે 2010માં વેસ્ટ ઝોન તરફથી રમતા નોર્થ ઝોન સામે નવ સિક્સર ફટકારી હતી. તો, શ્રેયસ અય્યરે 2018માં ઈન્ડિયા C વિરુદ્ધ ઈન્ડિયા B માટે આઠ સિક્સર ફટકારી હતી.
લિસ્ટ Aમાં છઠ્ઠી વિકેટ માટે 235 રનની ભાગીદારી
પરાગે કુમાર કુશગ્ર સાથે છઠ્ઠી વિકેટ માટે 235 રનની ભાગીદારી કરી હતી. લિસ્ટ Aના ઈતિહાસમાં બે અનકેપ્ડ ખેલાડીઓએ છઠ્ઠી વિકેટ માટે આ સર્વોચ્ચ ભાગીદારી છે. પરાગ અને કુશગ્રએ સાથે મળીને પાકિસ્તાનના આદિલ અમીન અને મોહમ્મદ હારિસનો રેકોર્ડ તોડ્યો હતો. અમીન અને હારિસે 2021માં ખૈબર પખ્તુનખ્વા માટે 227 રનની ભાગીદારી કરી હતી.