T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની જીતનો સિલસિલો ચાલુ જ છે. પહેલી મેચમાં પાકિસ્તાન સામે 4 વિકેટે જીત મેળવ્યા પછી ભારતીય ટીમે ગુરુવારે નેધરલેન્ડ્સને 56 રને હરાવીને ગ્રુપમાં ટોચનું સ્થાન મેળવી લીધુ છે. આ મેચમાં ભારદતીય પ્લેયર્સે અનેક રેકોર્ડ બનાવ્યા છે. તો જાણી લઈએ કે એવા ક્યા રેકોર્ડ છે, કે જે ભારતીય ખેલાડીઓએ બનાવ્યા છે.
ભારતીય ફાસ્ટ બોલર અને સ્વિંગ કિંગના નામે જાણીતા ભુવનેશ્વર કુમારે નેધરલેન્ડ્સની ઇનિંગમાં પોતાની પહેલી બે ઓવર મેડન નાખી હતી. ભુવીએ આ સાથે જ T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ મેડન નાખવાના રેકોર્ડમાં જસપ્રત બુમરાહના વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી લીધી છે. બન્નેના નામે હવે 9-9 મેડન ઓવર છે.
સૂર્યકુમાર યાદવે નેધરલેન્ડ્સની સામે માત્ર 25 બોલમાં જ 51 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. આ સાથે જ સૂર્યાએ આ વર્ષે T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર બેટર બની ગયો છે. તેણે પાકિસ્તાનના મોહમ્મદ રિઝવાનનો રેકોર્ડ તોડી લીધો છે. સૂર્યાએ આ વર્ષે 25 મેચમાં 867 રન બનાવ્યા છે. રિઝવાનના નામે 20 મેચમાં 839 રન છે.
ગત મેચમાં રોહિત શર્માએ 39 બોલમાં 53 રન બનાવ્યા હતા. રોહિતે આ ઇનિંગમાં ત્રણ સિક્સર પણ ફટકારી હતી. આ સાથે જ રોહિત T20 વર્લ્ડ કપમાં ભારત માટે સૌથી વધુ સિક્સર ફટકારનાર બેટર બની ગયો છે. આ ટૂર્નામેન્ટમાં તેણે 35 મેચમાં 34 સિક્સર ફટકારી છે. આ પહેલા આ રેકોર્ડ યુવરાજ સિંહના નામે હતો. યુવરાજ સિંહે 31 મેચમાં 33 સિક્સર ફટકારી છે. ઓવરઓલની વાત કરીએ તો આ રેકોર્ડ વેસ્ટઈન્ડિઝના ક્રિસ ગેલના નામે છે. ગેલે T20 વર્લ્ડ કપમાં 33 મેચમાં 63 સિક્સર ફટકારી છે. ગેલ પછી હવે બીજા નંબરે રોહિત અને ત્રીજા નંબરે યુવરાજ આવે છે.
શાનદાર ફોર્મમાં ચાલી રહેલા ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ આ મેચમાં 44 બોલમાં અણનમ 62 રનની ઇનિંગ રમી હતી. T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી વધુ રન બનાવવાના મામલે તે હવે બીજા નંબરે આવી ગયો છે. આ મેચ પહેલા વિરાટ ત્રીજા અને વેસ્ટઈન્ડિઝનો ક્રિસ ગેલ બીજા નંબર પર હતો. શ્રીલંકાના મહેલા જયવર્ધને પહેલા નંબરે છે. વિરાટ હવેની મેચમાં કદાચ જયયવર્ધનેને પાછળ છોડીને પહેલા નંબરે આવી શકે છે. વિરાટ અને જયવર્ધને વચ્ચે માત્ર 27 રનનો જ તફાવત છે.