યજમાન દક્ષિણ આફ્રિકાએ વન-ડે શ્રેણીની બીજી મેચમાં ભારત પર 8 વિકેટે જીત મેળવી હતી. આ જીત સાથે 3 મેચની શ્રેણીમાં રોમાંચક વળાંક આવ્યો છે. હવે બંને ટીમ 1-1ની બરાબરી પર છે, જેનો અર્થ છે કે 21મી ડિસેમ્બરે પાર્લમાં યોજાનારી ત્રીજી અને નિર્ણાયક મેચથી વિજેતા નક્કી કરવામાં આવશે.
મંગળવારે કેબેરાના સેન્ટ જ્યોર્જ પાર્ક સ્ટેડિયમમાં આફ્રિકન ટીમે 42.3 ઓવરમાં એક વિકેટ ગુમાવીને 212 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. ઓપનર ટોની ડી જ્યોર્જ (અણનમ 119)એ તેની ODI કારકિર્દીની પ્રથમ સદી ફટકારી હતી, જ્યારે રીસ હેન્ડિક્સ (52 રન)એ તેની 7મી અર્ધસદી ફટકારી હતી. રાસી વાન ડેર ડુસેને 36 રનનું યોગદાન આપ્યું હતું. ટોની ડી જ્યોર્જને 119* રન બનાવવા માટે પ્લેયર ઑફ ધ મેચનો અવોર્ડ મળ્યો હતો.
આ પહેલાં ટોસ હારીને બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમ 46.2 ઓવરમાં 211 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓપનર સાઈ સુદર્શને 62 રન બનાવ્યા જ્યારે કેએલ રાહુલે 56 રનની ઇનિંગ રમી. નાન્દ્રે બર્જરને 3 વિકેટ મળી હતી.