સોમવારે, 26 ડિસેમ્બરે પોષ મહિનાના સુદ પક્ષનું ચોથ વ્રત છે. આ વ્રત ઘરની સુખ-સમૃદ્ધિ માટે કરવામાં આવે છે, જેમાં ગણેશજીની ખાસ પૂજા કરવામાં આવે છે. ચોથ તિથિના સ્વામી ગણેશજી છે અને તેમની પૂજા કરવાથી ભક્તની બુદ્ધિ વધે છે, કાર્યોમાં આવી રહેલાં વિઘ્ન દૂર થાય છે અને સફળતા સાથે જ સુખ-સમૃદ્ધિ મળે છે.
ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે સોમવાર અને ગણેશ ચોથનું વ્રત હોવાથી તેનું મહત્ત્વ વધી ગયું છે. ગણેશ પૂજા પછી શિવજીનો અભિષેક પણ કરશો તો પૂજા જલ્દી સફળ થશે અને ભક્તની બધી મનોકામનાઓ પૂર્ણ થઈ શકે છે. જાણો ચોથ તિથિએ કેવા-કેવા શુભ કામ કરી શકાય છે.
આ રીતે ગણેશજીની સરળ પૂજા કરો
ચોથ તિથિએ સવારે જલ્દી જાગવું અને સ્નાન કર્યા પછી ઘરના મંદિરમાં ગણેશ પૂજા કરો. ગણેશ પ્રતિમા ઉપર જળ ચઢાવો. વસ્ત્ર અર્પણ કરો. કંકુ, ચંદન, અબીર, ગુલાલ ચઢાવો અને ફૂલોથી શ્રૃંગાર કરો.
ગણેશજીને ખાસ દૂર્વા અર્પણ કરો. ધૂપ-દીપ પ્રગટાવો. મીઠાઈ અને લાડવાનો ભોગ ધરાવવો. આરતી કરો. ગણેશજીના મંત્ર શ્રી ગણેશાય નમઃ, ૐ ગં ગણપતયૈ નમઃ મંત્રનો જાપ કરો. મંત્ર ઓછામાં ઓછો 108વાર કરો. તેના માટે રૂદ્રાક્ષની માળાનો ઉપયોગ કરો.
પૂજા અને મંત્ર જાપ કર્યા પછી ભગવાન પાસે પૂજામાં જાણ્યે-અજાણ્યે થયેલી ભૂલ માટે માફી માગો. જે લોકો ચોથ તિથિએ વ્રત કરી રહ્યા છે, તેમણે આખો દિવસ નિરાહાર રહેવું જોઈએ. જો ભૂખ્યા રહી શકો નહીં તો ફળાહાર કરી શકો છો. દૂધ, ફળ, ફળના રસનું સેવન કરી શકો છો. સાંજે ચંદ્રોદય પછી ચંદ્રદેવ અને ગણેશજીની પૂજા કરો. ત્યાર બાદ ભોજન ગ્રહણ કરો.
કોઈ મંદિરમાં ગણેશ પૂજા પછી શિવલિંગ ઉપર તાંબાના લોટાથી જળ ચઢાવો. જળ ચઢાવતી સમયે ૐ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. બીલીપત્ર, ધતૂરો, દૂર્વા, આંકડાના ફૂલ ચઢાવો. ચંદનનું તિલક કરો. ધૂપ-દીપ પ્રગટાવો. બીલીપત્ર ઉપર મીઠાઈ રાખીને તેનો ભોગ ધરાવવો. આરતી કરો. પૂજા પછી ભગવાન પાસે માફી માગો.